
પાટણમાં વિશ્વ એનેસ્થેસિયા દિવસની ઉજવણી
વિશ્વ એનેસ્થેસિયા દિવસ અંતર્ગત પાટણમાં ધારપુર હોસ્પિટલ એનેસ્થેસિયા વિભાગ અને પાટણ એનેસ્થેટિસ્ટ એસોસીએશન દ્વારા બગવાડા દરવાજા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તબીબોએ એનેસ્થેસિયા તેમજ વ્યક્તિ એકાએક બેભાન થઈ જાય તે પરિસ્થિતિમાં શું કરી શકાય તે માટે સીપીઆર અંગેનું માર્ગદર્શન નગરજનોને આપ્યું હતું.આજે વિશ્વ એનેસ્થેસીયા દિવસની ઉજવણીના ભાગ રૂપે એનેસ્થેટિસ્ટ એસોસિયેશન પાટણ અને ધારપુર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગ દ્વારા બગવાડા દરવાજા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનેસ્થેસિયા એટલે કે દર્દીને ક્યારે બેભાન કરવા, ઓપરેશન દરમિયાન સીસી સુંગાડનાર તબીબ શા માટે બોલાવવામાં આવે છે અને તેની શું કામગીરી છે તે અંગેની વિસ્તૃત માહિતી નગરજનોને આપવામાં આવી હતી.સમગ્ર વિશ્વમાં 1846 પહેલા નાના મોટા ઓપરેશન દર્દીઓ માટે ખૂબ જ : પીડાદાયક હતા. દર્દીઓને બેભાન કર્યા વિના નાના- મોટા ઓપરેશન કરવામાં આવતા હતા. જેને કારણે દર્દીઓને અસહ્ય પીડા ભોગવવી પડતી હતી ત્યારે મેડિકલ ક્ષેત્રમાં નવું સંશોધન કરનાર ડેન્ટિસ્ટ ડો. W.P.G. મોર્ગને 16 ઓક્ટોબર 1864 ના રોજ અમેરિકામાં સૌ પ્રથમવાર દર્દીને એનેસ્થેસીયા આપીને એટલે કે દર્દીને બેભાન કરીને પીડામુક્ત સફળ ઓપરેશન કરાવ્યું હતું. ત્યારથી આ ઐતિહાસિક દિવસને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ એનેસ્થેસિયા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ દિવસે એનેસ્થેટિસ્ટ ક્ષેત્રના તબીબો ડો. મોર્ગનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમને યાદ કરે છે. સર્જન ડોક્ટર દ્વારા કરવામાં આવતા નાના મોટા દરેક ઓપરેશનમાં એનેસ્થેટિસ્ટ ડોક્ટરનું વિશેષ મહત્વ રહેલું છે. હાલમાં કોઈ પણ ઓપરેશન એનેસ્થેટિસ્ટ તબીબી વિના થઈ શકતું નથી. નાની મોટી દરેક હોસ્પિટલમાં કાર્યરત આઈસીયુમાં કેર એનેસ્થેટિસ્ટ તબીબ રાખે છે. વર્તમાન સમયમાં લોકો એકાએક બેભાન થઈ જવાના કિસ્સા બને છે. તેવા સમયમાં કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે સીપીઆર તાલીમ પણ નગરજનોને આપવામાં આવી હતી.પાટણ એનેસ્ટેટીસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો. અંબાલાલે જણાવ્યું હતું કે, આજનો દિવસ અમારા માટે ઐતિહાસિક દિવસ છે. આ દિવસે સૌ પ્રથમવાર દર્દીને બેભાન કરીને પીડામુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું. કોઈપણ હોસ્પિટલમાં કાર્યરત આઈ.સી.યુ એનેસ્થેટિસ્ટ તબીબ રાખે છે. કોઈપણ સફળ ઓપરેશનમાં સીસી સુંગાડનાર ડોક્ટરની જવાબદારી પણ સર્જન ડોક્ટર જેટલી જ હોય છે. દર્દી ભાનમાં આવે ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ ડોકટરને ફરજિયાત પણે હોસ્પિટલમાં હાજર રહેવું પડે છે.