
પાટણનાં જીઇબી ઓવરબ્રિજ પાસેનાં નાળામાં કાદવ ભરાઇ જતા પાલિકાએ ઝાડી-ઝાંખરા દૂર કરી નાળાની સફાઈ કરી
પાટણ શહેરનાં ગાયત્રી મંદિરથી જીઇબી થઇને ચાણસ્મા હાઈવે જવાનાં માર્ગે ઓવરબ્રિજ નજીક પંચવટી સોસાયટીનાં નાકે આવેલા જૂના જમાનાનાં ગુંગડી તરફ વરસાદી પાણીને લાવતા નાળામાં ભરાઈ ગયેલા કાદવ કિચ્ચડ અને ગંદા પાણીનાં ઘરને પાટણ નગરપાલિકાનાં કામદારોએ જેસીબી મશીનથી સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ નાળામાં ભરાઈ રહેતા ગંદા પાણી અને આગળથી આવતા પાણીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો. જે અંગેની રજૂઆતો થઇ હતી. વળી આ નાળામાં કાદવ કિચ્ચડની સાથે ઝાડી-ઝાંખરા પણ ઉગી નિકળતાં અત્રેનાં રહીશો ત્રાહિમામ હતા. તેઓની રજૂઆતનાં પગલે આ વોર્ડનાં સુધરાઇ સભ્ય અને કારોબારી ચેરમેન મુકેશ જે. પટેલની સૂચનાથી જેસીબી દ્વારા આ નાળાની સફાઈ કરવા માં આવતાં આ વિસ્તારનાં રહિશોને રાહત થઇ હતી.જાણવા મળ્યા મુજબ આગામી દિવસોમાં નાળાની ફરતે સંરક્ષણ દિવાલ બનાવી દેવામાંઆવશે. જેથી કોઇ અકસ્માતનો ભય ના રહે.