
પાટણ જિલ્લાના 29 ગામોમાં સ્વચ્છતા હી સેવા મિશન કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાઈ
પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા સ્વચ્છતા હી સેવા કમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે શરૂ કરાયેલા આ કેમ્પેઇનનો ઉદ્દેશ કચરા મુક્ત પાટણ જિલ્લાને બનાવવાનો છે.આ કમ્પેઇન 15 મી સપ્ટેમ્બરથી મિશન આગામી 15 મી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે.આજરોજ આ કેમ્પેઈન અંતર્ગત જિલ્લાના કુલ 29 ગામોમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. 29 ગામોમાં સફાઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. ગામની શાળાઓ, આંગણવાડીઓ, પંચાયત, તેમજ જાહેર સ્થળોએ અને જાહેર રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
મહાત્મા ગાંધી જયંતિના ભાગરૂપે શરૂ કરાયેલા આ કેમ્પેઈન અંતર્ગત જાહેર સ્થળોની સાફ-સફાઈ, સરકારી સંપત્તિઓના સમારકામ રંગોરોગાન અને સફાઈ, ભીંત ચિત્રો દોરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, સફાઈ કર્મચારીના હેલ્થચેકપ કેમ્પ, ગામડાની તમામ શાળા કોલેજોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. સ્વચ્છતા યાત્રાને પ્રોત્સાહિત કરવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.સ્વચ્છતા કામદારોની ભૂમિકા અનુસાર 15 માં નાણાપંચ કે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી પીપીઈ કીટ ખરીદવામાં આવશે. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે પાટણ જિલ્લાને કચરા મુક્ત બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્રારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.