
પાટણ શહેરનું પ્રદુષણ માપવા માટે પાલિકાના ટેરેસ ઉપર બે મશીનો ફીટ કરાયા
નેશનલ એર ક્વોલિટી પ્રોગ્રામ હેઠળ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મદદથી હવાની ગુણવત્તા માપવા માટે ની સિસ્ટમ કાયૅરત બનાવવામાં આવી છે. ત્યારે સ્ટેટ એર ક્વોલિટી મોનિટરીંગ પ્રોગ્રામ હેઠળ પાટણ શહેરની હવાની ગુણવતા માપવા માટે રાજય સરકાર દ્વારા પાટણ નગર પાલિકાને આ સિસ્ટમ આપવામાં આવી છે જે સિસ્ટમ પાલિકાના ટેરેસ ઉપર હાલમાં ફીટ કરવામાં આવી છે જે સિસ્ટમનું મોનિટરીંગ કયૉ બાદ કાયૅરત કરવામાં આવનાર હોવાનું પાટણ નગર પાલિકાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ જય રામીએ જણાવ્યું હતું.
હવાનું પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે. વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણથી આપણું જીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. તેની સંપૂર્ણ અસર માણસ, પ્રકૃતિ અને સમગ્ર વિશ્વ પર અનુભવાઈ રહી છે અને તેની અસર પણ ધીમે ધીમે સામે આવી રહી છે. દર વર્ષે 2 ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ પ્રદૂષણથી મુક્તિ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને લોકોને તેના વિશે જાગૃત કરવાનો છે.