
પાટણમાં ગુણવંતા હનુમાનની નવખંડની પલ્લી ભરાઈ
પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલા પ્રાચીન ગુણવંતા હનુમાન દાદાના મંદિર ખાતે પરંપરાગત રીતે હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ પલ્લીના દર્શન કર્યા હતા.પાટણ નગરના 4 રક્ષક એવા ગુગડીના ગુણવંતા બગવાડાના બળિયા, છીંડિયાના છેલછબિલા, જય સાંચરાને મળ્યા એવા ગુણવંતા હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ આસો સુદ ચૌદસના ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. પલ્લી ઉત્સવને પગલે સમગ્ર મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને ઉમટ્યા હતા. મંદિર ડાકલા, કાંસા અને ઢોલના તાલથી ગૂંજી ઉઠ્યું હતું. રાત્રે શુભ મુહૂર્તમા દાદાની દિવ્ય આરતી કરવામાં આવી હતી.આરતી બાદ એક મોટી છાબમાં 18 ખંડ બનાવી અને ગુણવંતા દાદાને નવ પ્રકારના નૈવેધ અર્પણ કરી પલ્લી ભરવામાં આવી હતી. આ પલ્લી મંદિરથી નીકળી હતી. ત્યારે ‘રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી’ના નારાથી મંદિર ગૂંજી ઉઠ્યું હતું. પલ્લી મંદિરથી નીકળીને શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફરી હતી. લોકોએ આ પલ્લીના દર્શનનો લાભ લીધો હતો. આસો સુદ એકમથી આસો સુદ ચૌદસ સુધી શ્રદ્ધાળુઓ દાદાના નકરોડા ઉપવાસ કરે છે અને ચૌદસના દિવસે મધ્ય રાત્રીએ શુભ મુહૂર્તમાં પલ્લીના દર્શન કરી પ્રસાદ લઈ ઉપવાસ છોડે છે.
આજે પણ ગુણવંતા હનુમાન મંદિરમાં આ વર્ષો જૂની પરંપરા અકબંધ છે. આજના આધુનિક યુગમાં પણ પાટણ શહેરમાં આ મંદિરમાં વર્ષો જૂની પરંપરા જોવા મળી રહી છે અને વિધિવત રીતે હનુમાન દાદાનો પલ્લી મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.દાદાના આરાધક કિરણભાઇ રામીએ જણાવ્યું હતું કે, શુક્રવારે મધ્યરાત્રે 12-39 કલાકે પલ્લી ખંડ ભરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા ડેકલા, ત્રાંસા, મંજીરા, ઢોલક સાથે સાખીગાન કરાયું હતું. પલ્લીયાત્રા મંદિરેથી નીકળી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઇ શનિવારે વહેલી સવારે મંદિરે પરત ફરી હતી. ત્યાં સુધી ભક્તજનો ભાવવિભોર થઇને પલ્લીમાં જોડાયા હતા. આ માટે બેંગલોર, અમદાવાદ, મુંબઇ તેમજ અન્ય દૂરના સ્થળે રહેતાં જ્ઞાતિજનો, ભક્તો પણ પલ્લી ભરવા અને દર્શનનો લાભ લેવા ઊમટી પડ્યા હતા.