પાટણમાં નોકરી માંગવા આવેલો શખ્સ બાઇક ઉઠાવીને જતો રહ્યો, ડીકીમાં સોનાની વિંટી અને રોકડ પણ હતી
પાટણ શહેરનાં ચાણસ્મા હાઈવે પર જીઈબી સામે આવેલા ભાજપ કાર્યાલય પાસે, દર્શન રો હાઉસમાંથી કોઈ શખ્સ બાઈકની ઉઠાંતરી કરી ગયો હતો. આ બાઈકમાં સોનાની વિટી, કવરમાં મુકેલા રોકડા રૂ. 500 મળીને કુલે રૂ. 57,250ની મતા હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી, જીઈબી પાસે રહેતા અને બહુચર કેટરર્સ અને મંડપ ડેકોરેટર્સનું કામ કરતા કરણભાઈ ભાનુપ્રસાદ ઓઝા તા.7મી મેનાં રોજ ઉપરોક્ત દર્શન રો હાઉસ ખાતે મંડપ બાંધવા માટે ગયા હતા. ત્યારે તેમને નોકરી માટે મળવા માટે અર્જુન નામનો ભાભર તરફ રહેતો એક વ્યક્તિ નોકરી માટે આવ્યો હતો.
કરણભાઈએ આ છોકરાને નોકરી માટેની ના પાડતાં તે જતો રહયો હતો. બાદમાં કરણભાઈ પોતાનું કામ પુરુ કરીને બાઈક લેવા માટે ગયા તો તે સ્થળે બાઈક જોવા ન મળતાં આજુબાજુ તપાસ કરતાં તે ન મળતાં કરણભાઈને તેઓ જેનાં ત્યાં મંડપ બાંધતા હતા તે ઘરનાં એક વ્યક્તિએ કહેલ કે, જે ભાઈ તમારી પાસે નોકરી માટે આવ્યો હતો. તેમ વ્યક્તિ બાઈક પર બેઠો હતો.
આથી કરણભાઈએ તેમની પાસે આવેલા એ અર્જુન નામનાં વ્યક્તિને ફોન કરીને પૂછેલું કે, તું કેમ મારું બાઈક ચોરી કરી લઈ ગયો છે? જેથી એ શખ્સ તેમને કહેલ કે, મને પોલીસ પકડીને બાઈક સાથે લઈ ગયેલ છે તેમ કહીને તેણે ફોન બંધ કરી દીધો હતો.