
પાટણના કિમ્બુવા ગામમાં પ્રાચિન ગરબીએ આકર્ષણ જમાવ્યું
આદ્યશક્તિ મા જગદંબા- ભવાનીના નવલાં નોરતાંનો પ્રારંભ થઇ ગયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ શરૂ થયું છે. ત્યારે દિવસેને દિવસે નવલા નોરતાનો રંગ જામી રહ્યો છે. ત્યારે પાટણના કિમ્બુવા ગામમાં એક તાળીથી લઈને 16 તાળી રાસ સહિત બે ભેરુ, કાનગોપી, ચોકઠું જેવા રાસ ખેલૈયાઓ રમ્યાં હતા.
સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામના મુજાત પાટીદાર ભાઈઓ દ્વારા મહાકાળી માતાજીની આશરે 100 વર્ષથી રમાતી આવતી જૂની રાસ મંડળીએ આકર્ષણ જમાવ્યું હતું. જૂનવાણીની મંડળી જાતે જ ગાઈ ફક્ત ભાઇઓ દ્વારા રાસ રમવામાં આવે છે. જેમાં એક તાળીથી લઈને 16 તાળી સુધી તેમજ બે ભેરુ, કાનગોપી, ચોકઠું જેવા અલગ અલગ રાસ રમવામાં આવે છે. વડીલોથી લઈ સૌ કોઈ દેશી ઢોલ, મંજીરાના તાલે ગરબે રમી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.