લંડનમાં ચાણસ્માના વિદ્યાર્થીના સુસાઈડનો મામલો:મૃત્યુના 15 દિવસ બાદ મૃતદેહને વતનમાં લવાયો

પાટણ
પાટણ

પાટણના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના યુવકે લંડન અભ્યાસ માટે ગયા બાદ આત્મહત્યા કરી લીધી હતી. જેનો મૃતદેહ આજે 15 દિવસ બાદ તેના વતન રણાસણ લાવવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. રણાસણનો યુવક અઢી મહિના પહેલા જ અભ્યાસ માટે લંડન ગયો હતો. અચાનક જ ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવતા ત્યાંની પોલીસે આત્મહત્યા કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ પાટણ જિલ્લામાં રહેતા તેમના પરિવારજનોએ હત્યા થયાની આશંકા વ્યકત કરી હતી.પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના અઢી માસ અગાઉ વધુ અભ્યાસ અર્થે લંડન ગયેલા 23 વર્ષીય મીત પટેલ ગુમ થયા બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઈસ્ટ લંડન પોલીસે 21 નવેમ્બરે મીતના પરિવારજનોને મીતે આપઘાત કર્યો હોવાના સમાચાર આપ્યા હતા. જો કે, પરિવારજનોએ જે તે સમયે મીતે આત્મહત્યા નહીં પણ તેનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યકત કરી હતી.અઢી મહિના પહેલા મીત પટેલે જાતે જ સુરતના એજન્ટ મારફતે લંડન ખાતે માર્કેટિંગ મેનેજમેન્ટના વધુ અભ્યાસ અર્થે ગયો હતો. ત્યારબાદ 17 નવેમ્બર સુધી દર રોજ મૃતક યુવાન તેના પરિવાર સાથે ફોનથી સંપર્કમાં રહેતો હતો અને તેનું ભણવાનું સારું ચાલતું હોવાનું અને તે સુખ શાંતિ સારી સગવડ હોવાનું પોતાના સમાચાર પોતાના પિતા સહિત પરિવારને આપતો હતો, પરંતુ 17 નવેમ્બર ના રોજ છેલ્લીવાર તેની નાની બહેનના મોબાઇલ ઉપર હું મુશ્કેલીમાં છું હું જીવી શકું તેમ નથી તેવો ઓડિયો રેકોર્ડિંગ મોકલી મૃતક આશાસ્પદ યુવાનનો ટેલીફોનિક સંપર્ક બંધ થઈ ગયો હતો.


યુવકનો સંપર્ક ન થતાં યુવાનના પિતા ચિંતામાં મુકાયા હતા અને લંડનમા જ્યાં આ આશાસ્પદ યુવાન રહેતો હતો. તે બેચરાજી તાલુકાના ગાભુના મૂળ વતની અને લંડનમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓર્થોપેડિક ડોક્ટરને ત્યાં નોકરી કરતા રહેતા ફોઇના દીકરા રવિભાઈ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે પણ જણાવેલું કે કોઈ પત્તો નથી અને ત્યાંની સ્થાનિક પોલીસમાં જાણવા જોગ દાખલ કરી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ 21મી નવેમ્બરના રોજ જ્યાં મૃતક યુવાન મીત પટેલ રહેતો હતો તેમના ફોઈના દીકરા રવિ પટેલનો ફોન આવ્યો હતો કે જ્યાં પોલીસમાં જાણવા જોગ કરી હતી તે પોલીસે મીત પટેલે આત્મહત્યા કરી હોવાના સમાચાર આપતા આશાસ્પદ યુવાનના પિતા માથે આભ તૂટી પડ્યું હતું.મીત પટેલના મોતના પંદર દિવસ બાદ આજે વિમાન મારફત અમદાવાદ ખાતે મૃતદેહ લાવવામાં આવ્યો હતો. અમદાવાદથી તેના વતન ચાણસ્માના રણાસણ ગામે લાવવામાં આવતા પરિવારજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.