
પાટણ નગરપાલિકાના છ નિવૃત્ત અધિકારી, કર્મચારીઓને ફિકસ પગારથી ફરી સેવામાં લેવાશે
પાટણ નગરપાલિકાનાં વહીવટને સૂચારું રૂપે ચલાવવા માટે અનુભવી અને કાબેલ અધિકારીઓની આવશ્યક્તા છે. તો બીજી તરફ સરકાર કાયમી અધિકારીઓ અને કર્મચારીઓની ભરત કરતી ન હોવાથી વહીવટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાટણ નગરપાલિકા પાસે તેનાં વર્ષો જુના ફરજ બજાવીને નિવૃત્ત થયેલાને વહીવટી કાર્ય કુશળતા ધરાવતા અધિકારી કર્મચારીઓના અનુભવોનો લાભ લઇને વહીવટને સુદૃઢ કરવા માટે ફરીથી નોકરીમાં લેવાનો નિર્ણય કર્યો છે.
જેમાં છ અધિકારી-કર્મચારીઓને ફિક્સ પગારથી કરાર આધારિત સરકારનાં સામાન્ય વહીવટી વિભાગનાં પરિપત્ર મુજબ સરરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ નોકરીમાં રાખવાનો પ્રમુખનો પ્રસ્તાવ પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં મંજૂર કરાયો હતો. જે છ નિવૃત્ત અધિકારીઓ- કર્મચારીઓને કરાર આધારિત ફિક્સ પગારથી રાખવામાં આવશે તેમાં જે.વી. પટેલ, રાજુભાઇ મોદી, નિતીનભાઇ રામી, દશરથભાઇ પટેલ, ભગવાનભાઇ પટેલ તથા ભરતભાઈમોદીનો સમાવેશ થાય છે.