શેઠ એમ.એન. હાઇસ્કુલ માં નિઃશુલ્ક વૈદિક ગણિતના વર્ગની શરૂઆત
આપણા દેશમાં ભૂતકાળમાં ગણિત વિશે એવું કહેવાય છે કે આપણે મોટાભાગની ગાણિતિક ક્રિયાઓ મૌખિક કરતા હતા તે વૈદિક ગણિતથી જ શક્ય હતું પરંતુ સમય જતા આપણી પશ્ચિમ તરફ આકર્ષાયા જેથી આપણું ભારતીય જ્ઞાન ભુલાવા માંડ્યું જેને કારણે અભ્યાસક્રમોમાંથી ભારતીયતા – ધર્મ – સંસ્કૃતિ લુપ્ત થતી ગઈ.શાળાના બાળકો ભૂતકાળનો વારસો વાગોળે અને ગણિતની જટિલ ક્રિયાઓમાંથી છુટકારો મેળવે તે આશયથી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઇસ્કુલ માં આજથી ધોરણ 9 થી 12 ના તમામ બાળકો માટે સમગ્ર વર્ષ દરમિયાન ગુરુ અને શુક્ર એમ બે દિવસ શાળા સમય સિવાયના સમયમાં વૈદિક ગણિત ના વર્ગોની શરૂઆત કરવામાં આવી છે.આ વર્ગોમાં આજે અમારી શાળા ના ધોરણ 9 થી 12 ના 200 થી વધારે બાળકો અને ગણિત વિજ્ઞાન ના તમામ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા. શાળા સમય કરતાં 1 કલાક વહેલા આવવાનું હતું છતાં બાળકો અને શિક્ષકો માં વૈદિક ગણિત શીખવાનો ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત પુનઃ દેશના બાળકોમાં વારસાનું ગૌરવ થાય અને તેનાથી ગણિત પ્રત્યે રસ નિર્માણ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા સ્કુલ ઓફ એકસેલન્સ ધરાવતી શાળાઓમાં ધોરણ 6 થી 10 માં જૂન 2022 થી તબક્કા વાર અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો ઉમેરો કરવામાં આવ્યો છે.અમારી શાળા સ્કુલ ઓફ એકસેલન્સમાં આવતી નથી તેથી સરકાર દ્વારા તૈયાર થયેલા પુસ્તકો અમારી શાળાને મળે નહિ. પરંતુ શાળાના નવનિયુક્ત કર્મનિષ્ઠ, રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત આચાર્ય ધનરાજ ભાઈ ઠક્કરે ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ 6 થી 10 ના વૈદિક ગણિત ના પાઠ્યપુસ્તકો માં લેખક – સમીક્ષક તરીકે કામ કર્યું છે.આ ઉપરાંત તેમને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પણ હિમાચલ પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યો માં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વૈદિક ગણિતની તાલીમ આપી છે ત્યારે અમારી શાળાના બાળકો વૈદિક ગણિત થી વંચિત ન રહે તે માટે તેમણે નિઃશુલ્ક વૈદિક ગણિત ના વર્ગો ની શરૂઆત કરી હતી.