
પાટણમાં રાણીની વાવમાં ટિકિટ કૌભાંડ આચરાયું હોવાનો ગંભીર આરોપ
પાટણની વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવમાં ટિકીટનું મોટું કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદો ઉઠી છે. સુરતના સમાજ સેવકે આ કૌભાંડ ઉજાગર કરીને રાણીની વાવના 6 કર્મચારી વિરુદ્ધ પુરાતત્વ વિભાગના જનરલ ડાયરેક્ટર સમક્ષ ફરિયાદ કરી છે.પાટણની વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવમાં મોટું ટિકિટ કૌભાંડ થયું હોવાની ફરિયાદ થઇ છે. સુરતના આકાશ પટેલ નામના સમાજ સેવકે ટિકિટ કૌભાંડને ઉજાગર કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાણીની વાવમાં બંધ થઈ ગયેલ પાંચ રૂપિયાની જૂની ટિકિટ ને 40 રુપિયાનો નવો સિક્કો મારી વેચાણ કરાતું હતું.આ કૌભાંડની થયેલી ફરિયાદમાં પાટણ પુરાતત્વ વિભાગના અધિકારી સી.એ ઈમરાન મન્સુરીને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ફરિયાદી દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા રાણીની વાવના કુલ 6 કર્મચારીઓ વિરુદ્ધ પુરાતત્વ વિભાગના જનરલ ડાયરેક્ટર દિલ્હી, ગુજરાતના મુખ્યમંત્રી, અમદાવાદ એસીબી તેમજ પાટણ કલેકટર સમક્ષ ફરિયાદ કરાઇ છે.આરોપ મુજબ રાણીની વાવ જોવા આવતા સહેલાણીઓને જુની બંધ થઈ ગયેલી 5 વાળી ટિકિટ ને ₹ 40 ની નવી એમઆરપીનો સિક્કો મારી વેચાણ કરાતું હતું. સમગ્ર ટિકિટ કૌભાંડ આચરવા માટે ઈમરાન મન્સુરીએ છેલ્લા બે વર્ષથી રાણીની વાવના સીસીટીવી કેમેરા બંધ રાખ્યા હોવાનો પણ ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે. ચોમાસામાં શોર્ટ સર્કિટથી કેમેરા બંધ થઈ ગયાનું બહાનું આગળ ધરી કેમેરા ફરી ચાલુ કરવામાં જ આવ્યા ન હતા.જો કે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતાં તેમજ ઉચ્ચ કક્ષાએથી તપાસનો રેલો આવતા બે વર્ષથી બંધ કરેલા કેમેરા ફરી ચાલુ કરાયા છે. આ મામલાના વિડીયોમાં જૂની બંધ થઈ ગયેલી ટિકિટોના બંડલ જોવા મળ્યા હતા. ઉપરાંત પાર્કિંગ ટિકિટ બંધ હોવા છતાં પણ પાર્કિંગ ટિકિટ ઉઘરાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે તથા રાણીની વાવનું લાખોનું લોખંડ ભંગાર વેચી મારવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ટિકીટ બારીથી સહેલીઓને આપવામાં આવતી ટિકિટ સિક્યુરિટી દ્વારા પ્રવેશ દ્વારથી સહેલાણીઓ પાસેથી લઈ ફરી ટિકીટ બારી સુધી પહોંચાડી ફરી વેચાણ કરી કૌભાંડ આચરવામાં આવતું હતું. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થતાં રાણીની વાવના ત્રણ એમટીએસની અન્ય સ્થળે બદલીઓ કરાઇ છે. આરોપ લાગેલ તમામ કર્મચારીઓની ગાંધીનગરની કોઈ ઉચ્ચ કક્ષાની તપાસ ટીમ દ્વારા સઘન પૂછપરછ થાય તો લાખોનું કૌભાંડ બહાર આવી શકે છે. પાટણ રાણીની વાવના સીએ ઈમરાન મન્સુરી વર્ષોથી એક હથ્થું શાસન ચલાવી રહ્યા છે અને તેમના આશીર્વાદથીજ આ ટિકીટ કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવાયો છે.