
સરસ્વતિમાં સગીરાનું અપહરણ કરી જનારો બનેવીને પોલીસે મેલુસણથી ઝડપી લીધો
સરસ્વતિ તાલુકાનાં એક ગામે રહેતી 16 વર્ષની એક સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલા તેનાં બનેવીની પોલીસે અટકાયત કરી છે. તા. 17-3-2023નાં રોજ સરસ્વતિનાં એક ગામે રહેતી કિશોરી ગુમ થતાં તેનાં પરિવારજનોએ શોધખોળ કરી હતી છતાં તે નહિં મળતાં આ કિશોરીને તેનો બનેવી ભગાડી ગયો હોવાની જાણકારી મળતાં કિશોરીની માતાએ વાગડોદ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.
બનેવીને તેની નાની સાળી સાથે પ્રેમસંબંધ થવાથી અને યુવકની પત્ની એટલે કે આ કિશોરીની મોટી બહેન પિયરમાં સુવાવડ માટે આવેલી ત્યારે આ પ્રેમસંબંધ થયો હતો. કિશોરીની માતાએ યુવકને અહીં ન આવા જણાવ્યું હતું. બાદ તા.17મી માર્ચે યુવક તેની સાળીને ભગાડીને લઇ ગયો હતો.
આ બનાવની તપાસ કરતી વાગડોદ પોલીસનાં પી.એસ.આઇ. પી.એસ. ચૌધરી તથા સ્ટાફે તપાસ હાથ ધરતાં અને ગુનાની ગંભીરતા ધ્યાને લઇને વોચમાં હતા. ત્યારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, આ સગીરા અને આરોપી સરસ્વતિ તાલુકાનાં મેલુસણ ગામે ઉભેલા છે. તે આધારે આરોપીની અટકાયત કરી હતી. તેમજ ભોગ બનેલી કિશોરી મળી આવી હતી.