
સમીનાં નાયકા પાસે રસ્તા વચ્ચે આખલો આવતા તેને બચાવવા જતા કાર રોલર સાથે અથડાઈ, એકનું મોત
પાટણ જિલ્લાના સમી તાલુકાનાં નાયકા ગામનાં ત્રણ રસ્તા પાસે તા. 20 મીની મધરાત્રે ત્રણ વાગ્યાનાં સુમારે રોડ વચ્ચે બેઠેલા બે આખલાઓને બચાવવા માટે તેનાં ગાડી ચાલકે ઓચિંતી બ્રેક મારીને તેને સાઇડમાં લેવા જતાં રોડનાં કામ માટે પડેલા એક રોલર સાથે કાર અથડાઈ હતી. જેથી અકસ્માત થતા કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. જયારે ચાલકને ઇજા થઇ હતી. તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.
આ અંગેની મળતી માહિતી મુજબ સમી તાલુકાનાં ઝીલવાણા ગામનાં જયેન્દ્રસિંહ પ્રતાપસંગ સોલંકી (ઉ.વ. 31) તથા તેમનાં મિત્ર લાલુભા જનુભા વાઘેલા રે. વડા, તા, કાંકરેજવાળાઓ બાલુભાની માસીનાં દિકરાની ગાડી લઇને વચ્છરાજ બેટ ઝીંઝીવાડા, જિ. સુરેન્દ્રનગર ખાતે દર્શન કરીને આજે તા. 20મીનાં રોજ રાત્રે જયેન્દ્રસિંહનાં ઘેર ઝિલવાણા તા. સમી ખાતે આવતા હતા.
ત્યારે રાત્રે સવા ત્રણેક વાગ્યાનાં સુમારે સમી શંખેશ્વર હાઇવે પર સમી-નાયકા ત્રણ રસ્તા પાસે પહોંચતા રસ્તામાં બે આખલા બેઠેલા હોવાથી ગાડીનાં ચાલક જયેન્દ્રસિંહે તેમને બચાવવા બ્રેક મારીને સાઇડમાં ગાડી લેવા જતાં રોડની સાઈડમાં રસ્તાનું કામકાજ ચાલતું હોવાથી અહીં પડેલા રોલર સાથે તેમની ગાડી અથડાઈ હતી. જેથી જયેન્દ્રસિહને છાતીના ભાગે ઇજા થઇ હતી.
જ્યારે તેમની સાથેનાં લાલુભાને મોઢે અને નાક વાગતાં અને આંખે ઇજાઓ થતાં 108ને જાણ કરતાં તેમાં તેઓને પ્રથમ સમીનાં સરકારી દવાખાને અને બાદમાં પાટણની જનતા હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં લાલુભા વાઘેલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે જયેન્દ્રસિંહની ફરીયાદનાં આધારે ગુનો નોંધ્યો હતો.