
સિદ્ધપુરમાં ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા 2 આરોપીના રિમાન્ડ મંજૂર
સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં ડ્રગ્સનું દૂષણ પગપેસારો કરી ચૂક્યું છે. દિન પ્રતિદિન યુવાધન નશાની બરબાદીના રસ્તે ચડી રહ્યું છે. ત્યારે 5 દિવસ અગાઉ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસેથી પાટણ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે MD ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ઊંઝાથી MD ડ્રગ્સ આપવા આવેલો વ્યક્તિ સગીર નીકળ્યો હતો અને MD ડ્રગ્સ ખરીદવા આવેલો શખ્સ સિદ્ધપુર તાલુકાના નેદરા ગામનો સઉદ સાહિદભાઈ ખોરજીયા હોવાનું ખુલ્યું હતું.
સિદ્ધપુરમાં પકડાયેલા MD ડ્રગ્સ કેસની તપાસ સિદ્ધપુરના પીએસઆઈ લીંબાચીયાને સોંપાઈ હતી. જેથી સિદ્ધપુર પોલીસે નેદરા ગામના આરોપી સઉદ સાહીદભાઈ ખોરજીયાને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારે હાલ સિદ્ધપુર પોલીસની એક ટીમ પકડાયેલા આરોપી તથા કેટલાક મદદગારોને સાથે લઈને રાજસ્થાન પહોંચી છે. રાજસ્થાનથી ડ્રગ્સ મોકલનાર શખ્સોને પકડવા હાલ પોલીસ મથામણ કરી રહી છે.