
પાટણ ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં અખંડ ભારત ઉપર રમેશભાઈ ચૌધરીનું વકતવ્ય યોજાયું
પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારધીનાં સૌજન્યથી ચાલતા લોકપ્રિય કાર્યક્રમ ‘મને જાણો’માં મેઘતાંડવ વચ્ચે પણ વકતા રમેશભાઇ ચૌધરી (આચાર્ય, નાલંદા માધ્યમિક વિદ્યાલય, રાધનપુર) સમયસર ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ અખંડ ભારત વિષય ઉપર હાજર રહેલા શ્રોતાઓને આઝાદી મળી તે પહેલાનો ઇતિહાસ તેમજ ભારત છોડો આંદોલન, ૧૯૪૭નો ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલનું રજવાડાઓ ભેગા કરવાનું યોગદાન, ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન ઇતિહાસ વગેરે ઉપર સુંદર પ્રકાશ પાડયો હતો. લાઇબ્રેરીમાં ચાલી રહેલા કાર્યોની તેઓએ ખાસ નોંધ લીધી હતી. ભવિષ્યમાં અખંડ ભારતની કલ્પના ફરી સાકાર થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.લાઇબ્રેરીનાં પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત તથા રીડીંગ રુમ તેમજ કોમ્પ્યુટરના ચાલતા કલાસ વિશે વિશેષ માહિતી આપી હતી. સંયોજક નગીનભાઇએ વકતાનો પરીચય આપ્યો હતો. આ પ્રસંગે દેવાંગભાઇ, રમેશભાઇ ચૌધરી, દીલીપ પ્રજાપતિ, ઘનશ્યામભાઈ રાજપુત તથા સુજ્ઞ શ્રોતાઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની આભારવિધી ઉપપ્રમુખ સુનીલભાઇ પાગેદારે કરી હતી.