
પાટણની રાજલક્ષ્મી સોસાયટી ભાગ-2માં બનેલા નવા સી સી રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા
પાટણ નગરપાલિકા દ્વારા શહેર માં આવેલ સોસાયટીઓ માં 70 ટકા નગર પાલિકા અને 30 ટકા સોસાયટી ના રહીશો ના લોક ફાળા થી નવા રોડ રસ્તાઓ ની સુવિધા કરવામાં આવે છે . જે અનુસંધાને શહેર ના અંબાજી નેળિયા માં આવેલ રાજલક્ષ્મી સોસાયટી ભાગ-૨માં મકાન નં.1 થી 10 અને 98નંબરના મકાન આગળ નવીન સીસીરોડનું કામ હાથ ધરવામાં આવ્યુ હતુ .
જે હાલમાં પૂરું થઈ ગયું છે .ત્યારે આ રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવત્તાવાળી સાધન સામગ્રી વાપરવામાં આવી હોવાનો સ્થાનીક રહીશ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ રોડની કામગીરીમાં કોઇપણ જાતનું લેવલીંગ ન હોવાના કારણે અમુક લોકો ના મકાન પાસે પણી ભરાઈ રહે છે. પાણીનો પણ નિકાલ થતો નથી.
આ અંગે સ્થાનીક રહીશ નવીનભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ પણ આ જ સોસાયટીમાં રહે છે તેમનું પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું . તેમ છતા તેઓ આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. તેમજ નગરપાલિકા દ્વારા જ્યાં સુધી કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે રોડ નું કામ કરવામાં ન આવે ત્યાં સુધી આ કોન્ટ્રાક્ટર ને બીલ નું ચુકવણું કરવામાં ન આવે તેવી પણ લેખિત માં માંગ કરવામાં આવી છે.
જો નગરપાલિકા તંત્ર કે કન્સ્ટ્રકશનની એજન્સી સોસાયટીની આ સમસ્યાને ધ્યાને નહીં લે તો સોસાયટીમાં રહેતા પરીવારો દ્વારા આગામી સમયમાં જે નિર્ણય કરશે તેના પરીણામની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.