
પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત ચાર્જ લીધો
પાટણ જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સૌથી નાની વયના જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચુંટાઈ આવેલા હેતલબેન ઠાકોરે સોમવારે વિધિવત્ત રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ખાસ ઉપસ્થિત પોતાના પ્રમુખ પદનો ચાજૅ ગ્રહણ કર્યો હતો. તો નવનિયુક્ત ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારીએ પણ વિધિવત ચાજૅ લઈ પોતાની ઉપપ્રમુખની ઓફિસમાં બિરાજમાન થયાં હતાં.
પાટણ જિલ્લા પંચાયતના 12માં પ્રમુખ તરીકે સૌથી નાની ઉંમરનાં ચૂંટાયેલા હેતલબેન ઠાકોર કે જેઓ ગ્રેજ્યુએટ છે.જયારે ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારી મૂળ સરસ્વતીના સાણોદર ગામના વતની છે અને 3 ટર્મ સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેમના માતા પાટણ તાલુકા પંચાયતમાં સદસ્ય રહી ચૂક્યા છે. સોમવારે પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ માલધારીના પદગ્રહણ સમારોહ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલ,પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ભાજપ આગેવાનો, કાયૅકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ સાથે જિલ્લા પંચાયત પાટણ આગામી અઢી વર્ષ ના સુશાસન ની કામનાઓ વ્યકત કરી હતી.