
પાટણ નગરપાલિકાના પ્રમુખએ ટાઉનહોલ સહિત વિકાસ કામો અંગે પ્રભારીમંત્રીને રજૂઆત કરી
પાટણ શહેરમાં આગામી સમયમાં નગરપાલિકા દ્વારા વિકાસના અનેકવિધ કામો હાથ ધરવામાં આવનાર છે તેમજ અનેક કામો સરકારની ગ્રાન્ટ અને મંજૂરી માટે પાઇપલાઇનમાં છે જેને આગળ વધારવામાં આવે તે બાબતે પાટણ નગરપાલિકાના પ્રમુખે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા પ્રભારી મંત્રીને કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે પાટણ શહેરને ફરતે એક બાયપાસ રિંગરોડની આવશ્યકતા છે.જે શિહોરી ચોકડી, સિધ્ધપુર રોડ તથા ઉંઝા રોડ અને ચાણસ્મા રોડ ને સાંકળી લે તે બાબતે નકશા અને એસ્ટીમેન્ટ મુખ્યમંત્રી કાર્યાલયમાં આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના સિદ્ધિ સરોવરને ચારેબાજુથી વોલ કરી તળાવનું બ્યુટીફિકેશન કરવાની પણ જરૂરિયાત હોવાની રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે પાટણ શહેરમાં એક સુંદર ટાઉનહોલની પણ તાતી આવશ્યકતા છે. આ ઉપરાંત શહેરમાં ભૂગર્ભ ડ્રેનેજનો ડીપીઆર અને વોટર વર્કસના ડીપીઆરની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે અને તેની કામગીરી સત્વરે ચાલુ કરાનાર છે.
પાટણ સિટીમાં અંડર ગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી કેબલ કરવામાં આવે તેમજ નગરપાલિકામાં મોટાભાગનો કાયમી સ્ટાફ રીટાયર્ડ થઈ ગયો હોય નવીન ભરતીને મંજૂરી આપવામાં આવે, સિદ્ધિ સરોવરમાં સોલાર ફલોટિંગ સિસ્ટમ લગાવવા, વનાસણ પુનાસણ ખાતે ઢોર મુકવા માટે તથા આજુબાજુ વાઇન્ડિંગ કરવા, પાટણ શહેરમાં પદ્મનાભ ચોકડીથી સિદ્ધિ સરોવરમાં નર્મદાનું પીવાનું પાણી જે ખુલ્લી રીતે જાય છે જેના કારણે ગંદકી થાય છે તેને અંડર ગ્રાઉન્ડ કરવામાં આવે તે માટે પણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત નગરપાલિકાની ગંદા પાણીની કેનાલ ઓપન હોવાના કારણે લોકો તેમાં કચરો નાખીને ગંદકી વધુ કરતા હોય છે અને તેના કારણે મચ્છરજન્ય રોગો થતા હોય છે. જેથી કેનાલને અંડર ગ્રાઉન્ડ , કવર કરવા અને નગરપાલિકામાં સોસાયટી વિસ્તારમાં 70:30 ની જે સ્કીમ ચાલુ છે તેના બદલે પાટણની જૂની સોસાયટીઓમાં અગાઉ અમલમાં હતી તે 100 ટકા ગ્રાન્ટમાં રોડ કરવા મંજૂરી આપવા જેવા મુદ્દા પ્રભારી મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.