પાટણ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં અડદનું વાવેતર
પાટણ જિલ્લામાં સરેરાશ 36 ટકા વરસાદ થઈ ગયો છે. આ વખતે વાવણી લાયક વરસાદ વહેલો થતાં 16 ટકા વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ હાલમાં 10 ટકા વધ્યું છે. જેમાં ખાસ કરીને અડદનું 5198 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે જે ગયા વર્ષે આ સમયગાળામાં બિલકુલ વાવેતર થયું ન હતું. જિલ્લામાં દર વર્ષે 316698 હેકટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થાય છે. આ વખતે અત્યાર સુધીમાં 49886 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે એટલે કે કુલ વાવેતરની સરખામણીએ 16 ટકા વાવેતર થયું છે ગયા વર્ષે આ સમયગાળામાં માત્ર 20,885 હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું હતું. એટલે કે 6 ટકા જ વાવેતર થયું હતું. જેમાં ખાસ કરીને મગ, અડદ, બાજરી, બીટી કપાસ અને જુવાર ઘાસચારો સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે આ સમય ગાળામાં અડદનું બિલકુલ વાવેતર થયું ન હતું. પરંતુ હાલમાં 5,198 હેક્ટર વિસ્તારમાં અડદનું વાવેતર થયું છે.જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. આ વખતે બીપરજોય વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ વહેલો થતા ગત વર્ષની સરખામણીએ હાલમાં અડદ સહિતના પાકનું વાવેતર વધુ થયું છે. જોકે સાંતલપુરમાં 54 ટકા, રાધનપુરમાં 41 ટકા અને સમયમાં 44 ટકા વરસાદ થયો છે. આ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરેલા રહે છે. હવે વરાપ નિકળતા વાવેતર ગતિ પકડશે.