પાટણ ની સસ્તા અનાજની દુકાન ના સંચાલકો સામે ગેરરીતિ ના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટી દ્રારા આવેદનપત્ર
સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો જલદ કાર્યક્રમ આપવાની ચિમકી આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ શહેર પુરવઠા અધિકારી ને પાટણ શહેરની તમામ સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને પાકી પ્રિન્ટ ના આપી અનાજ ઓછું આપી ભ્રષ્ટાચાર કરવા બાબતે તપાસ કરી પાકી પ્રિન્ટ ફરજિયાત આપવામાં આવે અને રાશન ધારકોને પૂરતું અનાજ આપવામાં આવે તેવી માંગ સાથે બુધવારે પુરવઠા અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્ર મા તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં સસ્તા અનાજની વ્યાજબી ભાવની ૨૮ જેટલી દુકાનો હયાત છે, તમામ દુકાનોમાંથી એ.પી.એલ, બી.પી.એલ અને અંત્યોદય યોજના અંતર્ગત રાશન ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને દુકાન સંચાલકો ઓછું અનાજ આપવાની રાવ આવી રહી છે, જેના ભાગરૂપે ગત મહિને અમારા દ્વારા પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ કરતા આ સસ્તા અનાજની દુકાનોમાં ૫ થી લઇ ૧૦ કિલો સુધીના અનાજની ચોરી અને રાશન ધારકોને પાકી પ્રિન્ટ સાથે અનાજ વિતરણ કરવામાં નથી આવતું તેવું જાણવા મળ્યું છે.
ત્યારે આ અનાજ કાંડ ને લઈને અમારા દ્વારા સસ્તા અનાજની દુકાન સંચાલકોને પૂરતું અનાજ વિતરણ કરવા અને પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવા વિનંતી કરી હતી, છતાં પણ આ મહિને પણ આ સંચાલકો ઓછું અનાજ વિતરણ કરી પાકી પ્રિન્ટ પણ ના આપી અનાજ કૌભાંડ આચરી પુરવઠા વિભાગ ના કાયદાને ઘોળી ને પી ગયા છે.
ત્યારે આમ આદમી પાર્ટી વતી માંગ છે કે આપ દ્વારા પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને પૂરું અનાજ પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવામાં આવે તેવી ફરજ પાડી જે દુકાન સંચાલક આ વિરુદ્ધનું કૃત્ય કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથોસાથ જો હજી પણ આ સસ્તા અનાજની દુકાનોમાં રાશન કાંડ યથાવત રહેશે તો અમારા દ્વારા આપની કચેરી અને પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે જલદ અને ધરણાં કાર્યક્રમો યોજીશું તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.