
પાટણનાં ચાર મુખ્ય સહિત અન્ય બિસ્માર રોડ-રસ્તાનું 1.35 કરોડનાં ખર્ચે પેચવર્ક હાથ ધરાશે
પાટણ શહેરનાં ઉબડખાબડ અને ખાડા પડી ગયેલા ભંગાર રોડ રસ્તાઓનાં સમારકામ માટે છેલ્લા ઘણા સમયથી બુમરાળ ઉઠી રહી છે. ત્યારે શહેરીજનો માટે રાહતનાં સમાચાર એ છે કે, શહેરનાં તુટેલા ફૂટેલા-ખાડાવાળા રોડ રસ્તાઓનું પેચવર્કનું કામ ત્રણેક દિવસમાં શરુ થઇ જશે જે ચોમાસા પૂર્વે પૂર્ણ કરી દેવામાં આવશે.
આ રોડ રસ્તાનાં પેચવર્ક માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટોમાંથી રૂા.1.35 કરોડનાં ખર્ચે શહેરનાં તમામ રોડ-રસ્તાનાં પેચવર્ક માટે પાટણ નગરપાલિકા દ્વારા કરાયેલી ટેન્ડર પ્રક્રિયા બાદ આ ટેન્ડરો નગરપાલિકા ખાતે પ્રમુખ સ્મિતાબેન પટેલ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, એજન્સી તથા એન્જીનીયર મૌલીન પટેલની હાજરીમાં ખોલવામાં આવ્યાં હતા.
આ ટેન્ડર ખોલ્યા બાદ એજન્સીને વર્કઓર્ડર આપીને બે ત્રણ દિવસમાં જ પેચવર્ક કામ શરુ કરી દેવાશે. કારણ કે, આગામી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોવાથી ડામર કામો થશે નહીં.આ અંગે જાણકારી આપતાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન અને કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલે જણાવ્યું કે, શહેરનાં મહત્વનાં રોડ કે જેની અત્યંત રિપેરીંગની તાકિદની જરુર છે તેવા ચાર રોડનું કામ તત્કાલ શરુ કરાશે. જેમાં પાટણનાં રંગલા હનુમાનથી ત્રણ દરવાજા-હિંગળાચાચર, બગવાડા, રેલ્વે સ્ટેશનનો રોડ, બગવાડાથી સુભાષચોક ,સરદારની પ્રતિમાથી પારેવા સર્કલ તથા જુનાગંજ ચોક વિસ્તારમાં પંચવર્ડ કરાશે.