
પાટણનાં ઉબડ ખાબડ બનેલાં રસ્તાનું રૂ. 1.35 કરોડનાં ખર્ચે પેચવર્કનું કામ શરૂ કરાયું
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ઉબડખાબડ અને તૂટેલા માર્ગોને પેચ વર્ક કરવાના કામનો રવિવારે શહેરના જલારામ મંદિરથી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના રાજકીય આગેવાનો અને નગરપાલિકાના સત્તાધિશો ની ઉપસ્થિત મા પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પેચવર્ક અંગેની જાણકારી આપતાં પાલિકા પ્રમુખ સ્મિતાબેન અને કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરનાં મહત્વનાં રોડ કે જેની અત્યંત રિપેરીંગની તાકિદની જરુર છે તેવા જલારામ મંદિર થી લીલીવાડી રોડ, રંગીલા હનુમાન થી ત્રણ દરવાજા–હિંગળાચાચર, બગવાડા, રેલ્વે સ્ટેશનનો રોડ, બગવાડાથી સુભાષચોક રોડ, સરદારની પ્રતિમાથી પારેવા સર્કલ રોડ અને જુનાગંજ ચોક વિસ્તારમાં પેચવર્ક નું કામ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા રવિવારથી શરૂ કરવામાં આવેલા પેચવર્કની કામગીરીનો પ્રારંભ જલારામ મંદિર ખાતેથી ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન શાંતીબેન ગીરીશભાઈ પટેલ,પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ,કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ સહિત પાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીનાઆગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરના ઉબડખાબડ અને તૂટેલા માર્ગોનું પાલિકા દ્વારા પેચ વર્કનું કામ શરૂ કરાતા શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી હતી.