
પાટણનાં રૂા. 125 કરોડનાં ભુગર્ભનાં મહાકાય પ્રોજેકટ માટે 42 કરોડની રકમ કોઈપણ ગ્રાન્ટમાંથી ભરવાનો નિર્ણય કરાયો
પાટણ શહેરનાં વિકસીત અને આઉટગ્રોથ સહિત શહેરનાં અન્ય વિસ્તારોમાં ભુગર્ભ ગટરના વર્તમાન જુના નેટવર્કને બદલીને તેને અપગ્રેડ કરી સુવિધાજનક બનાવવા માટે સરકારનાં જીયુડીસી દ્વારા મંજૂર કરાયેલા રૂા. 125 કરોડનાં અંદાજિત પ્રોજેકટની ટેન્ડર પ્રક્રિયા થઇ ચૂકી છે અને તેનો વધુ ઓર્ડર આપવામાં આવે તેવી શક્યતાઓ જણાય છે ત્યારે તેવી સ્થિતિમાં આ પ્રોજેક્ટની કોસ્ટનાં 10% લેખે રૂા. 42 કરોડની રકમ સરકારમાં ભરવા માટે પાટણ નગરપાલિકાને પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આટલી મોટી રકમ નગરપાલિકા ભરી શકે તેમ ન હોવાથી આજે પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં નિર્ણય કરાયો હતો કે, આ 42 કરોડની રકમ કોઈપણ ગ્રાન્ટમાંથી અથવા વિશ્વ બેંકની મળનારી ગ્રાન્ટમાં સમાવેશ કરીને ભરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, પાટણ શહેરમાં ભુગર્ભ ગટરનું નવેસરથી નેટવર્ક ઉભું કરવા માટે પાટણ નગરપાલિકાએ કરેલી દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ તેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટેનું સર્વે કામ હાથ ધરીને તેનો રિપોર્ટ સબમીટ કરતાં આ પ્રોજેકટનાં ખર્ચમાં સમયાંતરે ફેરફાર કરીને તેની મૂળ રકમમાં કેટલીક રકમ વધારે ઉમેરીને અત્યારે અંદાજે રૂ।.125 કરોડની પ્રોજેક્ટ કોસ્ટ નક્કી કરાઇ છે.
‘અમૃત-ટુ યોજના અંતર્ગત પાટણ નગરપાલિકાને મંજૂર કરાયેલા આ મહાકાય પ્રોજેક્ટ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત શહેરી વિકાસ મિશન (જીયુડીએમ) દ્વારા તેનાં તા.17-5-23નાં પત્રથી પાટણ નગરપાલિકાને ‘અમૃત-2.0′ મુજબ ગટર વ્યવસ્થાપન માટે યુએલબીએ પ્રોજેક્ટ કોસ્ટનાં 10% પ્રમાણે રકમ ભરપાઇ પાટણ નગરપાલિકાએ ભરવાની થાય છે. આ સાથે ડ્રેનેજ પ્રોજેક્ટની આપેલ તાંત્રિક મંજૂરીમાં જણાવ્યાં મુજબ રૂા. 42 કરોડ ઉપરાંતની રકમ સરકારમાં ભરવાની થાય છે.આ રકમ ભરપાઇ કરવા માટે પાટણ નગરપાલિકા પાસે કોઇ નાણાંકીય જોગવાઇ ન હોવાથી તેઓ ભરી શકે તેમ નથી. પાટણ નગરપાલિકાનાં ભુગર્ભ ગટરનાં ચેરમેન જયેશભાઇ પટેલ અને તેમની ટીમે આ બાબતે સરકારમાં રજૂઆત કરવાનાં પ્રયાસ કર્યા હતા. હવે જ્યારે પાટણ પાલિકાનાં પ્રમુખ અને ચેરમેનો બદલાઇ ગયા હોવાથી આ બાબતે સરકારમાં રજૂઆત કરવા માટેનું આયોજન કેવી રીતે ઘડાશે તેની પર સૌની નજર હતી.