પાટણના કુણઘેરમાં સોનીની દુકાનમાંથી 7 લાખની દાગીનાની ચોરી
પાટણ તાલુકાનાં કુણઘેરનાં જ વતની અને હાલમાં પરિવાર સાથે પાટણની જીવનધારા સોસાયટીમાં રહેતા અને કુણઘેરમાં દેવડાવાસમાં પોતાની સોની કામની દુકાન ધરાવતા સુબોધભાઇ ચીમનલાલ નટવરલાલ સોની પોતાની દુકાને આવેલા. તેઓ દુકાનમાં એકલા હાજર હતા ત્યારે બપોરે 12 વાગે ચાર સ્ત્રીઓ તેમની દુકાને આવી હતી અને કહેલ કે, અમારે પાયલ (ઝાંઝરી) અને નાકમાં પહેરવાની ચૂક લેવી છે. તેવું જણાવતાં સુબોધભાઇ સોનીએ આ સ્ત્રીઓને ચાંદીની પાયર (ઝાંઝરી) અને સોનાની ચૂંક બતાવી હતી. જેથી સ્ત્રીઓએ તેમને કહેલ કે, અમારે થોડી વજનમાં ભારે પાયલ જોઇએ છે. તેથી સુબોધભાઇ વજનમાં ભારે ઝાંઝરી લેવા દુકાનનાં અંદરના ભાગે લેવા ગયા હતા ને તેઓ પાયલ લઇને પાછા આવ્યા ત્યારે આ ચારેય સ્ત્રીઓ તેમની દુકાનેથી જતી રહી હતી.ત્યારબાદ સુબોધભાઇએ પોતાની દુકાનમાં પાયલ પાછા મુકીને પોતાની બેઠક પાસે આવ્યા હતા ને બેઠક પાસે પડેલી એક પોપટી કલરની થેલીમાં સોનાનો પરચુરણ માલ જેમ કે, અલગ અલગ પ્રકારની સેરો, ફેન્સી તથા સાદી બુટ્ટીઓ, અલગ અલગ બુટ્ટીનાં લટકણો, કડીઓ, નખલીઓ તથા કોકરવા જેવી પરચૂરણ વસ્તુઓ તેમણે તેમની થેલીમાં મુકી હતી તે સોનાનો પરચૂરણ માલ ભરેલી થેલી જણાઇ ન હોતી.
જે સોનાની પરચૂરણ માલનો અંદાજીત વજન 10 થી 12 તોલા અને તેની અંદાજીત રકમ રૂ 7 લાખની હતી. તેની ચોરી સવારે આવેલી ચાર અજાણી સ્ત્રીઓ ચોરી કરી ગયાની શંકા દર્શાવી હતી. આ ચારેય સ્ત્રીઓ 50 વર્ષની ઉંમરની અને ઓઢણી પહેરેલી હતી,આ બનાવની તપાસ પાટણ તાલુકા પી.આઇ.એ હાથ ધરી છે