પાટણમાં છેલ્લા ૨૪ કલાકમાં ડોક્ટર સહિત ચારનો કોરોના રીપોર્ટ પોઝિટીવ
રખેવાળ ન્યુઝ પાટણ : પાટણમાં કોરોનાની વણથંભી વણઝાર ચાલુ હોય તેમ દરરોજ કેસો આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પાટણમાં કોરોના બેફામ બન્યો હોય તેમ નવા ચાર કેસ આવ્યા છે. જેમાં ધારપુર મેડિકલ કોલેજના ડોક્ટર સહિત પાટણ શહેરમાં એક, હારીજમાં એક અને શંખેશ્વરમાં એક મળી કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેમાંથી ધારપુરના ડોક્ટરનો વડોદરામાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને વડોદરા ખાતે એડમિટ કરવામાં આવ્યા છે.
પાટણ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. છેલ્લા ૨૪ કલાકમાં હારીજના જુના શાકમાર્કેટ પાસેના બુંદીવાળા ખાંચામાં ૬૫ વર્ષીય પુરૂષ અને પાટણ શહેરના બુકડી રોડ પર આવેલી ધોબીની શેરીમાં ૩૮ વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ધારપુર મેડિકલ કોલેજના ૩૮ વર્ષીય ડોક્ટરનો વડોદરામાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો શંખેશ્વરના મૃર્તુજાનગરના ૫૬ વર્ષીય પુરૂષનો પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ધારપુર મેડિકલના ડોક્ટર કોઇ કામ અર્થે વડોદરા ગયા હતા. જ્યાં તેમનું સેમ્પલ લેવાયા બાદ આજે તેમનો રીપોર્ટ પોઝિટીવ આવતા તેમને સવિતા હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ કરવામાં આવ્યા છે. આ સાથે શંખેશ્વરના દર્દીનો અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ ૧૪૨ કેસ નોંધાયા છે.