
સમીના ગોધાણામાં ખેતરમાં પડેલા ઘાસના પૂળાઓમાં આગ લાગતા અફરા તફરી મચી
સમીના ગોધાણા ગામે રાત્રિ દરમિયાન ખેતરમાં પડેલા ઘાસના પૂળાઓના જથ્થામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ગણતરીની મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની ચપેટમાં અંદાજે 7 હજારથી વધુ પૂળા આવી જતા તમામ પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. જેથી ખેડૂતને અંદાજે એક લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું હતું.પાટણ શહેર સહિત જિલ્લામાં દિવાળીના તહેવારોમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે. ગતરોજ સરીયદમાં ફટાકડાના સ્ટોલમાં ભયંકર આગ બાદ શનિવારે રાત્રે સમીના ગોધાણા ગામમાં ખુલ્લા ખેતરમાં સંગ્રહિત કરેલા પશુઓને ખોરાક માટેના પૂળાના જથ્થામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જ્વાળા દેખાતા સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક ખેડૂત સહિત આસપાસના લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને પાણીનો મારો કરી આગને બુજાવવાનો પ્રયાસ શરૂ કરી રાધનપુરના ફાયર ફાઈટર વિભાગને જાણ કરી હતી.
ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો કરી આગ બુજાઇ હતી, પરંતુ વિકરાળ આગમાં તમામ ઘાસના પુરા બળીને ખાખ થઈ જતા અંદાજે ખેડૂતને 1,00,000નું નુકસાન થયું હોવાનો જણાવ્યું હતું. જોકે, સદનસીબે ફાયર ફાઈટર સમયસર ખેતરમાં પહોંચી જતા કોઈ અન્ય સ્થળે આગ લાગી ન હતી અને જાનહાનિ પણ ટળી હતી.