રાધનપુર-સાંતલપુર તાલુકામાં ઓક્સિજન સાથેની ૫૦૦-૫૦૦ બેડની સુવિધા ના થાય તો અન્ન-જળનો ત્યાગ કરવાની ચીમકી

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ રાધનપુર
રાધનપુર-સાંતલપુરમાં ઓક્સિજન અને બેડની અછતથી રોજબરોજ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થઇ રહ્યા છે,તાત્કાલિક ઓક્સિજન,બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેકશનની ત્રણ દિવસમાં વ્યવસ્થા કરવામાં નહિ આવે તો સામાજિક કાર્યકર સુધીરભાઈ ઠક્કર દ્વારા તા.૬ મે થી જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કરીને કલેક્ટર કચેરી આગળ જ અન્ન-જળનો ત્યાગ કરવાની અને જાે તેમની ધરપકડ કરવામાં આવશે તો પોલીસ સ્ટેશન અને જેલમાં પણ અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને કરવામાં આવેલી લેખિતમાં કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસે રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ભરડો લીધો છે.બંને તાલુકાના ગામેગામ કોરોના વાઇરસનો પ્રચંડ વિસ્ફોટ થયો છે.બંને તાલુકામાં છેલ્લા પંદર દિવસથી લોકો અને વેપારીઓ તંત્રને સ્વૈચ્છીક લોકડાઉનમાં સહકાર આપી રહ્યા છે,પરંતુ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.વાઇરસ વાયુવેગે ગામેગામ પહોચી ગયો છે અને બંને તાલુકાની સ્થિતિ કથળી છે.ત્યારે સરકારમાંથી ઉચ્ચ કક્ષાએથી સચિવ કે રાજ્યકક્ષાએથી તંત્રએ આ વિસ્તારની મુલાકાત લીધી નથી.બંને તાલુકામાં ખાનગી અને સરકારી દવાખાનામાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ વલખા મારી રહ્યા છે.અને ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે.રાધનપુર અને સાંતલપુર તાલુકાની રેફરલ હોસ્પિટલોમાં ૫૦૦-૫૦૦ બેડની ઓક્સિજન સાથેની સુવિધાની તાતી જરૂરિયાત છે.આ બંને તાલુકા રાપર,વાવ,સુઈગામ,થરા,દિયોદર અને આડેસર સહિતના દસ તાલુકાનાઓનું મિડલ સેન્ટર છે,છતાંય પૂરતા બેડ કે કોઈ સુવિધા નથી.જેથી બંને તાલુકામાં ઓક્સિજન સાથેની ૫૦૦-૫૦૦ બેડ તેમજ વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેકશનની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. જાે ત્રણ દિવસમાં આ વ્યવસ્થા નહિ થાય તો ગુરુવારે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ઉપવાસ ઉપર ઉતરવાની અને અન્ન-જળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને જ્યાં સુધી માંગણીઓ પુરી કરવામાં નહિ આવે ત્યા સુધી અન્ન-જળનો ત્યાગ અખંડ રાખવામાં આવશે.જાે તેમની ધરપકડ કરવામાં આવશે તો પોલીસ સ્ટેશનમાં કે જેલમાં પણ અન્ન-જળનો ત્યાગ ચાલુ રાખશે.આ લેખિત રજુઆતની નકલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા,જિલ્લા કલેક્ટર,જિલ્લા પોલીસ વડા,રાધનપુરના પ્રાંત અધિકારી અને બંને તાલુકાના મામલતદારોને પણ મોકલવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.