
પાટણના મોટા મદરેસા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતાં રહિશો ત્રાહીમામ
પાટણ શહેરના મોટા મદ્રેસા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાઈને રોડ પર વહેતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. અહીંના રહીશોને અવરજવરમાં તેમજ શાળાના બાળકોને શાળાએ જવામાં ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ગંદા પાણીના કારણે વાતાવરણ દૂષિત થતું હોઈ માખી મચ્છરોનો ઉપદ્રવ વધતાં બાળકો બિમાર થવાની શક્યતાઓ રહેતી હોવાની ફરિયાદ ઉઠી છે.અહીંની મહિલાઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કાલિબજાર મદરેસા રોડ ઉપર છેલ્લા દોઢેક મહિનાથી ભૂગર્ભ ગટરો
ઉભરાય છે. આ સમસ્યા બાબતે નગર પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આવી પરિસ્થિતિથી રહીશો કંટાળી ગયા છે.
મદરેસાની બાજુમાં રોડ પર પે એન્ડ યુઝની આગળના ભાગે રસ્તા ઉપર કચરાના ઢગલા, ગંદકી તેમજ ગાયોના ટોળાના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું જણાવી નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમની ટીમ સાથે આ વિસ્તારની આકસ્મિક મુલાકાત લઈ લોકોની પરેશાની જાણવાની અને તેના નિકાલ માટે પગલાં ભરવાની જરૂર છે એવુ મહિલાઓએ જણાવ્યું હતું. આ સમસ્યા બાબતે મોહમ્મદભાઈ દ્વારા ભુરાભાઈને ફોન કરી ભરત ભાટિયા ઉપર પણ ફોન આવતા તેઓએ સ્થળની જાત મુલાકાત લીધી એ સમયે પણ ત્યાં ગટરો ઉભરાતી હતી. નગર પાલિકામાં જાણ કરવા છતાં કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી. કર્મચારીઓ આવે છે અને ગટરના ઢાંકણા ઊંચા કરીને ફોટા પાડીને જતા રહે છે, બાદમાં કોઇ જોવા પણ આવતું નથી. લગ્ન જેવા પ્રસંગ હોય તો પણ રોડ પર ગંદુ પાણી પ્રસરતું હોય છે, જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.