પાટણમાં પૈસા ન આપતાં પુત્રએ પાઇપથી પિતાના ઢીંચણ ભાંગી નાંખ્યા
પાટણ શહેરનાં હાંસાપુરમાં દર્શન ગોડાઉનની બાજુમાં આવેલા વાલ્મિકીવાસ રહેતા એક વૃધ્ધ પિતા ઉપર તેનાં પુત્રએ હુમલો કરતાં ઇજા પહોંચી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ હાંસાપુરમાં દર્શન ગોડાઉનની બાજુમાં આવેલા વાલ્મિકીવાસ રહેતા મનુભાઈ મલાભાઇ વાલ્મિકી (ઉ.વ.81)ના દિકરા રાકેશે પિતા પાસે પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. જેથી પિતા પાસે પૈસા ન હોવાથી તેમણે પૈસા આપવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇને ગાળો બોલીને ગડદાપાટુનો માર મારીને લોખંડની પાઇપથી પગ ઉપર મારી હતી.
આ બનાવ બનતાં રાકેશની દિકરીઓ અને પડોશીઓએ આવીને બચાવ્યા હતા ને રાકેશને ત્યાંથી કાઢી મુક્યો હતો. પિતાને પગમાં લોહી નિકળતું હોવાથી તેમને પાટણ સીવીલમાં ખસેડાયા હતા. પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો દિકરો રાકેશ અવારનવાર પૈસા માટે તેમની સાથે ઝઘડા કરે છે ને ઘરનો સામાન વેચી નાંખે છે ને તેની દિકરીઓ પર હાથ ઉપાડે છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.