
પાટણમાં બંગાળી સમાજ દ્વારા માતાજીની વિસર્જન યાત્રા યોજાઇ
પાટણ શહેરના ઝવેરી અને સોની બજારમાં સોનાચાંદીના દાગીના બનાવવાનું કામ કરતાં બંગાળી પરિવારો દ્વારા યોજાયેલ છ દિવસનાં ‘દુર્ગા મહોત્સવ’નું આજે સમાપન કરાયું હતું. તેની વિસર્જન યાત્રા વાજતે ગાજતે શહેરનાં વિવિધ માર્ગો ઉપરથી પસાર થઇ હતી.પાટણનાં બંગાળી સમાજનાં કારીગરો દ્વારા સુભાષચોકમાં નિલકંઠ મહાદેવની વાડી ખાતે યોજાયેલા છ દિવસનાં ‘દુર્ગા મહોત્સવ’નાં આજે છેલ્લા દિવસે અત્રે સમારંભ મંડપ સ્થળે ‘સિંદુર ખેલા’નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બંગાળી સમાજનાં રિતરિવાજ અને પરંપરા પ્રમાણે માતાજીની મૂર્તિને ચઢાવવામાં આવેલા સિંદુરને સમાજની મહિલા વર્ગ દ્વારા પ્રસાદીરૂપે પોતાના સેંથામાં ભર્યું હતું. તથા એક બીજાનાં ગાલ ઉપર સિંદુર લગાવીને નાચ ગાન કરી ઉત્સવની ઉજવણી કરી આ પછી મંડપમાં મૂકાયેલી માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. બાદમાં તેને ટ્રેક્ટર ટ્રોલીમાં મૂકી ભવ્ય વિસર્જન યાત્રા યોજી હતી ને જળમાં મૂર્તિ પધરાવવામાં આવશે.