પાટણમાં રૂ. 35 હજાર ભરેલી બેગ લઈને ભાગી જનાર શખ્સ ઝડપાયો
પાટણ શહેરમાં ખરીદી અર્થે દુકાનમાં ગયેલા વ્યક્તિની 35 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી. માલિકે પોલીસને જાણ કરતાં પોલીસે શહેરમાં લગાવેલા સીસીટીવી તપાસ કરતા એક શખ્સ બેગ લઈ બાઈક પર પસાર થતો કેમેરામાં દેખાતા પોલીસે નંબર પ્લેટ આધારે શખ્સનો સંપર્ક કરી શરત ચૂકથી બેગ બદલાઈ ગઈ હોવાનું જણાવી પરત કરતા પોલીસે બેગ પરત મેળવી મૂળ માલિકને પરત આપી હતી.
પાટણમાં ગુરુવારે દુનાવાડા ગામના પુરોહિત દિનેશભાઇ ડાહ્યાભાઇ ખરીદી અર્થે આવ્યા હતા. શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલ દાવતની દુકાનમાં ગયા હતા. જ્યાં તેમની નજર ચૂકવી ચોર 35 હજાર રૂપિયા ભરેલ બેગ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
જે મામલે દિનેશભાઈ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાટણનો સંપર્ક કરતાં નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ હેઠળ શહેરમાં હાઇવે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા ચોર ઇસમ બેગ લઇ બાઇક પર જતો નજરે પડ્યો હતો.
પોલીસે બાઈકનો વ્હીકલ નંબર GJ 24 R 3506 મેળવી વ્હીકલ નંબરના આધારે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરતાં મળી આવ્યો હતો. જે ઇસમે પોલીસને એક જ જેવી બેગ હોઇ શરત ચૂકથી બેગ લઇ ગયેલ હતાં. જે પરત કરતા પોલીસે મૂળ માલિકને 35 હજાર રૂ. ભરેલ બેગ ગણતરીની મિનિટમાં જ શોધીને પરત આપી હતી.