
પાટણમાં સાતમાં નોરતે ખેલૈયાઓ સંગીતના સથવારે ઝૂમ્યા
પાટણ શહેરમાં ખેલૈયાઓએ મન મૂકીને સંગીતના સથવારે પગને તાલ આપ્યો હતો અને ગરબા રમતા રમતા માતાજીની આરાધનામાં ડૂબી ગયા હતા. નોરતાનો માહોલ બરાબરનો જામ્યો છે. જેમ જેમ નવરાત્રિના દિવસો જતા જાય છે, તેમ તેમ ખેલૈયાઓ ગરબા ખેલવાનો રંગ જમાવતા જાય છે. ત્યારે પાટણ શહેરના ત્રણ પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાથી ઉભરાઈ ગયા હતા. પરંપરાગત આભૂષણોએ લોકોની આંખો આંજી દીધી હતી. શહેરના મોટા ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓએ જમાવટ કરી છે.
નવરાત્રિના પર્વના સાતમાં નોરતે પાટણ શહેરના જુદાં જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની ભારે ભીડ ઊમટી પડી હતી. રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં. દરેક ગરબા મહોત્સવમાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં.