પાટણ શહેરનામાં આવેલી નિશાળની પોળ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી દુષિત પાણીને કારણે રોગચાળા ફેલાઈ તેવી દહેશત
વિસ્તાર ના રહીશો સહિત ભાજપના નગરસેવક ની અનેક વખતની રજુઆત છતાં પરિસ્થિતિ જૈસે થૈ: ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં એક તરફ સદંતર નિષ્ફળ નિવડી છે તો બીજી તરફ જીયુડીસી ના કવોલિફાઈડ માણસો વગર શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ કરાતી ભૂગૅભ ગટરની કામગીરી ને કારણે છાશવારે પાટણ શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારમાં દૂષિત અને અતિશય દુગૅધ મારતું ગંદુ પાણી આવતા શહેરીજનોમાં રોગચાળાની ભીતી સાથે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગ ચાળાએ માથું ઉચક્યું છે ત્યારે આજે ઘરે ઘરે ડેન્ગ્યુ, વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ પાલિકા તંત્ર અને જીયુડીસી ની અણ આવડત અને બેદરકારી નો ભોગ શહેરીજનો બનતા દૂષિત પાણીને લઈ શહેરીજનો પણ રોગચાળો ફેલાઈ તેવી પરિસ્થિતિ નું નિમૉણ થવા પામ્યું છે.
પાટણ શહેરના વોર્ડ નંબર નવમાં આવેલી નિશાળની પોળ અને ખાલક પૂરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી અતિશય દુગૅધ યુક્ત અને ડહોળાયેલું આવતા આ પાણી પીવાની તો વાત દૂર રહી પણ ઘર વપરાશના કામમાં પણ લઈ શકાતું ન હોવાથી પાલિકા તંત્રની કામગીરી સામે પણ વિસ્તાર ના લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
આ અંગે ભાજપના સ્થાનિક કોર્પોરેટર ડો.નરેશ દવે એ પણ પોતાની હૈયાવરાળ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવતાં દુષિત પાણી મામલે તેઓ દ્ધારા પણ પાલિકા સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજના દિવસે પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે જેને લીધે વિસ્તારના લોકો ના રોષ નો ભોગ અમારા જેવા નગર સેવકો ને બનવું પડતું હોવાની હૈયાવરાળ તેઓએ વ્યકત કરી આવા ડોળાયેલા અને વાસ મારતા ગંદા પાણી પીવાથી આ વિસ્તારોમાં માંદગી ના ખાટલા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ આવા વિસ્તારોની મુલાકાત લઈને રોગચાળો ફેલાય તે પૂર્વે ની કામગીરી હાથ ધરવામાં આવે તેવી અપીલ તેઓ દ્રારા કરવામાં આવી છે.