
હારીજમાં બે શખ્સોએ લોખંડની પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
હારીજમાં આધેડને એક મહિના અગાઉ બે ઈસમો સાથે બબાલ થઈ હતી. જેની અદાવત રાખી બે ઈસમોએ આધેડના પુત્રને રસ્તામાં ઉભો રાખી પાઈપ વડે હુમલો કર્યો હતો. જેથી તેને માથામાં ઈજાઓ પહોંચી હતી.
હારીજના ઠાકર શેરી વિસ્તારમાં રહેતા નિખીલભાઈ વિનોદભાઈ જયસ્વાલ બાઈક લઈને ઘરે જઈ રહ્યાં હતા. તે સમયે કાતરિયા વાસના નાકે પહોંચતા તેમના મહોલ્લામાં રહેતો બબલુ ચતુરજી ઠાકોર તથા રાવળ વાસમાં રહેતો વિજયભાઈ બચુભાઈ રાવળ હાથમાં લોખંડની પાઈપો લઈને ઊભા હતા. નિખીલભાઈને જોઈને બાઈકની વચ્ચે આવી બાઈકને ઊભું રખાવી ગાળો બોલવા લાગ્યા હતા. યુવાન કંઈ સમજે તે પહેલા વિજય રાવળે પાઈપ નિખીલના માથામાં મારતાં નિખીલ નીચે પડી ગયો હતો. નિખીલને લોહી નિકળતાં રાહદારી રાજુભાઈ રાજપુતે વધુ મારમાંથી છોડાવ્યો હતો.