
પાટણમાં ગાય અને આખલાની લડાઈમાં ગાય કેનાલમાં ખાબકી, જેસીબીની મદદથી દોરડાથી બાંધીને રેસ્ક્યૂ કરાયું
પાટણ શહેરમાં રખડતા ઢોરોની લડાઈ ઘટનાઓ હવે કોઇ નવી વાત નથી રહી. છાશવારે શહેરનાં ભરચક વિસ્તારોમાં પશુઓ વચ્ચે યુદ્ધ ખેલાતુ નજરે જોવા મળે છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે, જોકે, આજે એક ગાય અને આખલા વચ્ચે લડાઈ થઈ હતી. જેમાં આખલાનો ભોગ એક ગાય બની ગઇ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરના મીરા દરવાજા રોડ પર લાલેશ્વર પાર્કથી કેનાલ માર્ગે હાઇવે પર જવાનાં માર્ગે રાજનગર અને સ્વસ્તિક સોસાયટી વચ્ચેની કેનાલનાં કિનારે સવારે એક ગાય અને એક આખલો બાખડ્યા હતા. ત્યારે તેમની દોડાદોડમાં ગાય કેનાલનાં ગંદા પાણીમાં ખાબકી હતી. આ દ્રશ્ય જોઇને અત્રેનાં રહિશોએ માનવતાનાં ધોરણે તેને બહાર કાઢવાનાં પ્રયાસો કર્યા હતા. પરંતુ ભારેખમ ગાયને છ ફૂટ ઊંડી કેનાલમાંથી બહાર કાઢવી અશક્ય બની હતી
આ દરમિયાન આ ગાયનાં માલિક કે, જેઓ નજકની સોસાયટીમાં જ રહે છે. તેઓ પણ દોડી આવ્યાં હતા ને ગાયને પોતાની રીતે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નજીકમાં કોઇ ખાનગી કામગીરી માટે આવેલા જેસીબીની મદદ લેવામાં આવી હતી. એ દરમ્યાન કોઇને પાટણ પાલિકાનાં ફાયર બ્રિગેડને જાણ કરતાં તેનાં કર્મચારીઓએ આવીને ગાયને દોરડા બાંધી જેસીબીથી ઉંચકીને બહાર કઢાઇ હતી.