ધારપુર કોવિડ હોસ્પિટલમાં 12 કલાકમાં 10 કોરોનાના દર્દીઓએ દમ તોડયો

ગુજરાત
ગુજરાત 116

પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા કોરોના પોઝિટિવ દર્દી પૈકી શનિવાર રાતથી રવિવારના સવાર સુધીમાં 10 જેટલા દર્દીઓએ અંતિમ શ્વાસ લેતા ધારપુર કોવિડ હોસ્પિટલમા હડકંપ મચી જવા પામી હતી. મૃત્યું થયેલા 10 દર્દીઓ પૈકી છ દર્દીઓના મોત સારવાર મળે તે પહેલા જ થયાં હતા. જ્યારે હાલમાં સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં 100 જેટલા દર્દીઓ વેઇટિંગમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે સાતલપુર તાલુકાના પીપરાળા ગામે અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત 14 લોકોના મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધીમાં ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં લવાયેલા કોરોના પોઝિટિવ છ દર્દીઓના કોરોનાની સારવાર મળે તે પહેલા જ મોત નિપજયા હતા. જ્યારે અન્ય દર્દીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામતા ધારપુર કોવિડ હોસ્પિટલમાં સનસનાટી મચી જવા પામી હતી તો અન્ય સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સગા વ્હાલામાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધીમાં મૃત્યુ પામેલા 10 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ચાર કોરોના પોઝિટિવ દર્દીઓની મૃતદેહને ધારપુર હોસ્પિટલના ડેડબોડી રૂમમાં રાખવામાં આવી હતી. જ્યારે હાલમાં ધારપુર સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં 100 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર અર્થે વેઇટિંગમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

જ્યારે ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ કેમ્પસમાં શનિવાર રાતના આશરે સવા નવ વાગ્યાના અરસામાં વીજ ફોલ્ટના કારણે પુરવઠો અચાનક ખોરવાઈ જતાં સમગ્ર કેમ્પસમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો. અચાનક વીજ વોલટેજ ધટી જતા વીજળી ડૂલ થઈ જવાની ધટનાને લઈને દર્દીઓ તેમજ ડોક્ટરો અને દર્દીના સગા સૌના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને સૌ ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. ખાસ કરીને દર્દીઓમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો. જોકે, જીઈબી તંત્ર દ્વારા તાત્કાલિક પગલા હાથ ધરીને 10થી 15 મિનિટમાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલું કરી દેવાતા સૌએ રાહતનો દમ લીધો હતો.

ધારપુર હોસ્પિટલમાં શનિવારની મોડી રાતથી રવિવારની વહેલી સવાર સુધીમાં મૃત્યુ પામેલા 10 કોરોના પોઝિટિવ દર્દીઓ બાબતે ધારપુર મેડિકલ ઓફિસર ડો. મનીષ રામાવતનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ જતાં એક પણ દર્દીનું મોત નથી થયું. ઉપરોક્ત મૃત્યુ પામેલા દર્દીઓ કોરોના અતિસય સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.