હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એક કરોડના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટને ચલાવવા ખાનગી એજન્સીને આપવામાં આવશે
ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં એક કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ખાનગી એજન્સીને ચલાવવા માટે આપવામાં આવે તેમજ લાઈફ સાયન્સ વિભાગમાં 1.30 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓવાળા બે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાના ટેન્ડર મંજૂર કરવા સહિતના નિર્ણય કારોબારી બેઠકમાં લેવામાં આવ્યા હતા. આમ યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે.વોરાની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં બાંધકામ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય તેમજ વહીવટી કામો અને ટેન્ડર પ્રક્રિયા અંગેની કાર્યવાહી અંગે ચર્ચાઓ બાદ મંજૂર કરવામાં આવ્યાં હતા. જેમાં ખાસ કરીને કોરોનાની મહામારીમાં ઓક્સિજન પૂરો પાડવા બનાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ ગયો હોય તેને ચલાવવા માટે ખાનગી એજન્સીને આપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ રુસાની બચત ગ્રાન્ટમાંથી 1.30 કરોડના ખર્ચે લાઇફ સાયન્સ વિભાગમાં 150થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે પ્રોજેક્ટર સાથે ફૂલ ફર્નિચર અને ટેકનોલોજીથી સજ્જ બેઠક વ્યવસ્થાવાળા સ્ટુડિયો ટાઈપના બે કલાસ રૂમ બનાવવા માટે ટેન્ડર પ્રકિયાને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ યુનિના 28 વિભાગોમાં ફાયર સેફટીની સુવિધાઓમાં વધારો કરવા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ પેપરને બહાલી આપવામાં આવી હતી. આમ આ બેઠકમાં બે કોલેજો શરૂ કરવા આવેલી દરખાસ્ત અંગે મંજૂરી આપવાનો નિર્ણય વર્તમાનમાં મુલતવી રાખવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ,હરેશ ચૌધરી, દિલીપ ચૌધરી,સ્નેહલભાઈ પટેલ અજય ગોર,અનિલ નાયક,રજીસ્ટ્રાર ડી.એમ.પટેલ,એન્જીનિયર વિપુલ સાંડેસરા સહિતના સભ્યો હાજર રહ્યા હતાં.