સિધ્ધપુરમાં સમી સાંજે ધોધમાર વરસાદ
સિદ્ધપુર શહેર સહિત પંથકમાં વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો. પોણા કલાકમાં અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડતા સિધ્ધપુર દેથળી ચાર રસ્તા નજીક તેમજ રેલવે અન્ડર પાસ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પાટણ શહેરમાં બે દિવસ અગાઉ રાત્રીના સમયે વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો ત્યારબાદ ધોધમાર બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો .સરસ્વતી તાલુકામાં બે કલાક માં ત્રણ ઇંચ જેટલા વરસાદ ખાબક્યો હતો . જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ એક થી અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો .ત્યારે બે દિવસના વિરામ બાદ ફરી પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું અને સાથે જ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી .તો છેલ્લા એક-બે દિવસથી ભારે ઉકળાટના કારણે ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોએ વરસાદી ઝાપટા વરસતા ગરમીમાંથી રાહત અનુભવી હતી