વરસાદના કારણે રોગચાળો ફાટીન નીકળે તેની તકેદારીના ભાગરૂપે પાટણમાં આરોગ્ય કેમ્પ યોજાયા
કુલ 30 મેડિકલ ટીમ દ્વારા આયોજીત મેડિકલ કેમ્પમાં 1027 દર્દીઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરાઈ
કુલ 203 સ્થળોએ સફાઇ અભિયાન કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો: જિલ્લામાં ભારે વરસાદના લીધે પ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફાટી ના નીકળે તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન અને જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સંકલનમાં રહી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા મેડિકલ ટીમો બનાવી નાગરિકોની સ્વાસ્થ્ય ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેડિકલ ટીમ દ્વારા લોકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
જિલ્લામાં કુલ 30 મેડિકલ ટીમ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ ટીમ દ્વારા કુલ1027 દર્દીઓની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી 1007 દર્દીઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. પાટણ શહેરના હાંસાપુર ડેરીના છાપરા ખાતેના કેમ્પની તથા ધાત્રીમાતાની મુલાકાત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણના ડો.વી.એ.પટેલ દ્રારા લેવામાં આવી હતી. અને વરસાદ પછી થતો રોગચાળો અટકાવવા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
જિલ્લામાં કુલ 114 સ્થળોએ ક્લોરીનેશન કરવામાં આવ્યુ તેમજ કુલ 299 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તદઉપરાંત કુલ 9917 નંગ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કાર્યરત SBCC ટીમો દ્વારા વાહકજન્ય તથા પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે શું કરવું, શું ના કરવું તેના અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતુ.
વધુમાં સફાઈ અને સ્વચ્છતાની કામગીરી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કમલીવાડા, ચડાસણા અને ડેર ગામની ગ્રામપંચાયત, આયુષ્યમાન આરોગ્ય મંદિર, અને પ્રથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.