પાટણમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર
પાટણ શહેરનાં કોલેજ રોડ ઉપર નિર્માણાધિન રેલવે ઓવરબ્રીજની નીચે પાલિકા બજાર સામે ફુટપાથ ઉપર જીવન ગુજારતા એક પરિવારની 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરવાના આરોપ સર પોલીસે આરોપીને સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમજ પાંચ દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના તા. 16મી સુધીનાં રિમાન્ડ મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.
પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં આરોપી વિરુધ્ધ તપાસ માટેનાં પાંચ મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં આરોપીનાં પહેરેલા કપડાં કબજે કરવાનાં છે, આરોપીની મેડીકલ તપાસણી કરાવવાની છે, પિડીતાની ઉંમર 7 વર્ષની હોવાથી તેની મેડીકલ તપાસણી ચાલુ હોવાથી અને તેનું નિવેદન લઈને તેમાં જે હકીકત બહાર આવે તે અંગે આરોપીની પૂછપરછ કરવાની હોવાથી આરોપી પિડીતાને રીક્ષામાં ક્યાં ક્યાં લઇ ગયો હતો, તેની સાચી હકીકત છુપાવી રાખતો હોવાથી તેની તપાસ કરવાની છે. એવી રજૂઆતો કરતાં જજ સુનિલ એમ. ટાંકે આરોપીને તા. 16 મી સુધીનાં રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં સુપ્રત કર્યો હતો.