
સંડેર ખાતે ખોડલધામ સ્થળની ડીવાયએસપીએ મુલાકાત કરી
પાટણ જિલ્લાના સંડેર ખાતે આકાર પામી રહેલા ખોડલધામ સંકુલના ભૂમિ પૂજન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આવવાના હોવાથી પ્રોટોકોલ મુજબ પોલીસ વિભાગ દ્વારા સ્થળ મુલાકાત કરી બેઠક, પાર્કિંગ સહિતની વ્યવસ્થા અંગેની ચકાસણી કરી આયોજકોને સૂચનાઓ આપવામાં આવી હતી.
પાટણના સંડેર ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે આકાર પામી રહેલા ખોડલધામ સંકુલ નો ભૂમિ પૂજન સમારોહ રવિવારે આઠમના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિત અન્ય સમાજના લોકો પણ પધારનાર હોય ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થા સુંદર અને સુચારુ રૂપે થાય તે માટે 2000થી વધુ સ્વયંસેવકો તૈનાત કરાયા છે. જોકે કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ આવવાના હોવાથી પ્રોટોકોલ મુજબ સલામતીના ભાગરૂપે વ્યવસ્થામાં કોઈ કચાસ રહી ન જાય તે માટે ડીવાયએસપી સહિત પોલીસની ટીમે કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ મુખ્ય સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, હેલીપેડ સભામંડપ અને ભોજનમંડપ સહિત ની વ્યવસ્થાઓ નું નિરીક્ષણ કરી આયોજકોને જરૂરી સૂચનાઓ આપી હતી.