પાટણ રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલી પાયાની કામગીરી દરમિયાન ભેખડ ઘસી પડતા મજુર દટાયો
દટાયેલા મજૂરને અન્ય મજૂરોએ બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે ખસેડાતા હોસ્પિટલમાં જ મજૂરે દમ તોડ્યો
રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી
પાટણ રેલ્વે સ્ટેશન નું હાલમાં પૂરજોશમાં આધુનિકરણની કામગીરી ચાલી રહી છે ત્યારે રવિવારના રોજ રેલ્વે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટેની ભેખડ ધરાશાઈ થતાં નીચે કામ કરી રહેલ એક મજૂર દટાતા સ્થળ પર કામ કરતાં મજુરોએ તાત્કાલિક તેને માટી માથી બહાર કાઢી 108 દ્રારા શહેરની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ મજુરને સારવાર મળે તે પહેલાં જ તેને દમ તોડતાં અને આ બાબતની જાણ હોસ્પીટલ દ્રારા પોલીસ ને કરાતા સ્થાનિક તેમજ રેલવે પોલીસે હોસ્પીટલ ખાતે આવી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ રેલવે સ્ટેશન ખાતે બનેલા અકસ્માતની ઘટનાની મળતી હકીકત મુજબ હાલમાં પાટણ રેલવે સ્ટેશન ના આધુનિકરણ ની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરીમાં મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ ના 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. રવિવારના રોજ સવારે 10:00 કલાકના સુમારે રેલવે સ્ટેશન પર ચાલતી પાયા ની કામગીરી દરમિયાન અચાનક માટીની ભેખડ ધરાસાઈ થતાં નીચે કામગીરી કરી રહેલા વિનોદકુમાર સિંહ રામચરણસિંહ નામના મજૂર ઉપર પડતા તેઓ માટી નીચે દટાયા હતા. આ ઘટનાની જાણ અન્ય મજૂરોને થતા તેઓએ તાત્કાલિક માટી નીચે દટાયેલા વિનોદકુમાર સિંહને તાત્કાલિક બહાર કાઢી 108 ની મદદથી પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જોકે જનતા હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ વિનોદ કુમારસિંહે હોસ્પિટલના સ્ટેચર પર અંતિમ શ્વાસ લેતા સાથે કામ કરી રહેલા મજૂરોમાં શોક છવાઈ જવા પામ્યો હતો. તો બનાવવાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને કરાતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ને લાસ નું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું છે. પાટણ રેલ્વે સ્ટેશનના આધુનિકરણની કામગીરી દરમિયાન ફરજ પરના કંપનીના જવાબદાર સુપર વાઇઝર પણ હાજર હોય તેઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. મધ્યપ્રદેશ માંથી મજૂરી અર્થે આવેલા અને આ ઘટનામાં મોતને ભેટેલા વિનોદ કુમાર સિંહ પરણિત હોય અને તેને ત્રણ સંતાનો હોવાનું તેના નાના ભાઈ પ્રભાતસિંહે જણાવ્યું હતું.