સાંતલપુર : કેનાલો તુટવાની ઘટનાને લઈ કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન
સાંતલપુર તાલુકાના 1/7 c વિભાગમાં આવતી જાખોત્રા ડીસ્ટ્રી કેનાલ તૂટવાનું મુખ્ય કારણ ગેટ ઓપરેટર હાજર ન હોવાના કારણે પાણીનું લેવલ વધ્યું હોવાનું સામે આવ્યું છે. તો કેનાલોની ખરાબ કામગીરીને કારણે અવાર નવાર કેનાલો તુટવાની ઘટનાને લઈ કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અવારનવાર કેનાલો તુટવાની ઘટનાઓ છતાં વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા કેનાલોની નબળી કામગીરીમાં અધીકારીઓની સંડોવણી હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે.
જાખોત્રા ડીસ્ટ્રી કેનાલ તૂટી જવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો હોય છતાં તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ કાયૅવાહી કરી ન હતી. આવું કેટલા દિવસ ચાલશે તેવી હૈયાવરાળ ખેડૂતો ઠાલવી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં આ 10 મી વખત કેનાલ તૂટી હોવાનું ખેડૂતે જણાવી કેનાલના પાણી તેમના ખેતરમાં ભરાઈ જવાથી સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અને નુકસાનનું વળતર ના મળે તો તેઓએ આત્મ હત્યા કરવાની ફરજ પડશે તેમ જણાવી નિગમમાં ફરજ બજાવતા અધિકારી પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
ખેડૂતે આક્ષેપ કર્યા છે તે પાયા વિહોણા છે હું કોઈ ખેડૂતને જાણતો નથી. કેટલાક લોકો દ્વારા કેનાલ એચ આર ગેટને ખોલવાના હેન્ડલ અને આજુબાજુ કાંકરા ભરી ખીલા મારી નુકસાન કરી રહ્યા છે. જેના કારણે કેનાલના દરવાજા ખુલતા નથી એટલે કેનાલનું પાણી ઓવરફ્લો થઈ જાય છે જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.