પાટણ ના સાંતલપુર હાઈવે પરના રોઝુ ગોળાઈ નજીક માગૅ પરના ખાડામાં ટેલર પટકાઇ પલ્ટી મારતા ચાલક નું મોત
નેશનલ હાઈવે માગૅ પર વરસાદ ના કારણે પડેલા મસ મોટા ખાડાઓને તાત્કાલિક ધોરણે રિપેર કરવા વાહન ચાલકો ની માગ
ચાલુ સાલે પાટણ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના કારણે રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે ની હાલત બત્તર બની છે. ઠેર ઠેર નેશનલ હાઈવે માર્ગ ઉપર પડેલા મસ મોટા ખાડાઓના કારણે અવાર-નવાર નાના-મોટા અકસ્માતોના બનાવો પણ સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે અને આવા અકસ્માતના કિસ્સાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે છતાં તંત્ર દ્વારા આ નેશનલ હાઈવે માર્ગ પરના ખાડાઓનું પુરાણ નહીં કરાતા સોમવારે સવારે વધુ એક અકસ્માત આ માર્ગ પર સર્જાતા એક નિર્દોષ જિંદગી મોતના મુખમાં હોમાઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ સામે રોષ ભભૂકી ઊઠયો છે.
સોમવારે વહેલી સવારે સાતલપુરના નેશનલ હાઇવે માર્ગ પર રોઝુ નજીક ની ગોળાઈ પાસે થી પસાર થતાં પ્લાસ્ટિક ની બેગોમાં ભરેલ માલ સામાન સાથે નું ટેલર નંબર આર.જે.09 જી. સી. 9089 માગૅ પરના ખાડામાં પટકાતાં ટેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટેલર રોડ પર પલટી મારી જતાં ગંભીર ઈજાઓ ના કારણે ચાલક નું મોત નિપજ્યું હતું. તો ટેલર મા રાખેલ માલ સામાન ભરેલી પ્લાસ્ટીક ની બેગો વેરણ છેરણ થતાં માગૅ બ્લોક થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગ્રસ્ત ટેલર સહિત માલ સામાન ભરેલી પ્લાસ્ટિકની બેગો રોડ પરથી દૂર ખસેડી ટ્રાફિક ખુલ્લો કરી અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાલકનું પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નેશનલ હાઇવે પર સર્જાતા અકસ્માતમાં બનાવોને લઈને પસાર થતા વાહન ચાલકોમાં પણ હાઇવે ઓથોરિટી વિભાગના તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
ત્યારે નેશનલ હાઈવે પર વરસાદ ના કારણે પડેલા મસમોટા ખાડાઓનુ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ હાથ ધરી ખાડાઓનુ પુરાણ કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.