પાટણના રેલ્વે ઓવરબ્રીજની ધીમીગતિની કામગીરીથી દિવાળીએ લોકોની હાલાકી વધશે
પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલી વસ્તી, વિસ્તાર અને વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટરૂપ બની છે.તો શહેરના વર્ષો જૂના બજાર માર્ગો વસ્તીની દ્રષ્ટિએ સાંકડા પુરવાર થયા છે તો બીજી તરફ નવા બની રહેલા શોપિંગ સેન્ટરો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સોના કારણે મુખ્ય અવર જવરના રાજમાર્ગો પર વાહનોની ગીચતા અને દબાણ વધી રહ્યું છે. મુખ્ય બજાર માર્ગો પરની રસ્તાની બંને બાજુએ તેમજ ફટપાથ પર લારીઓના ખડકલાના કારણે રાહદારીઓને ક્યાંથી ચાલવું એ પણ એક મોટી સમસ્યા છે. તંત્ર દ્વારા આ દિશામાં ઢીલી નીતિ અપનાવવાના કારણે આ સમસ્યા દિન પ્રતિદિન વધુ વકરતી જઈ રહી છે.
પાટણ શહેરમાં રેલવેની ટ્રેનોની અવરજવર વધતા રાજમહેલ રોડ પરના રેલવે ફાટક પર અવાર નવાર ફાટક બંધ કરવાની ફરજ પડતાં તેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને અનુલક્ષીને રેલવે ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવેલ છે. જોકે આ રેલવે ઓવરબ્રિજની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલુ કરવામાં આવેલ છે પરંતુ હજુ પણ તેની ધીમીગતિની કામગીરી જોતા આ કામ કયારે પૂર્ણ થશે તેનું કોઈ નિશ્ચિત ન હોય ત્યારે આ ઓવરબ્રિજની ગોકળગતિએ ચાલતી કામગીરી દિવાળીના તહેવાર સમયે લોકો માટે હાલાકી વધારશે.
Tags DIWALI Due overbridge railway