
પાટણની વર્ષો જૂની ભદ્ર કોર્ટની બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી શરૂ
પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં વર્ષો જૂની ભદ્રની કોર્ટના જર્જરીત ઐતિહાસિક બિલ્ડીંગને આખરે આજથી તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આી હતી. થોડા દિવસમાં જ આ સદી પૂરાણી ઇમારત એક ઈતિહાસ બનીને રહી જશે.પાટણ શહેર અને તાલુકાની કોર્ટ જ્યારે પાટણનાં ભદ્ર વિસ્તારમાં એટલે કે, પાટણ નગરપાલિકાનાં કેમ્પસમાં કાર્યરત હતી ત્યારે આ વિસ્તાર ભરચક રહેતો હતો. ઘણાં સમયથી આ ઐતિહાસિક ગાયકવાડી બિલ્ડીંગ જર્જરિત બની ગયું હતું. આથી અત્રેની કોર્ટને નવા કોર્ટનાં બિલ્ડીંગમાં ખસેડાઇ હતી. એ પછી આ જુની કોર્ટ બિલ્ડીંગ બંધ કરાયું હતું.
આ જુનું કોર્ટ બિલ્ડીંગ પાટણની ચેરિટી કમિશ્નરની કચેરીને ફાળવવામાં આવ્યું હતું. જેનું વર્ચ્યુઅલી ખાતમુર્હુત થોડા વર્ષ પૂર્વે થયું હતું. એ પછી લાંબા સમય બાદ હવે ચેરિટી કમિશ્નર કચેરી દ્વારા તેનો સત્તાવાર કબજો લઇને આ બિલ્ડીંગ અને તેને સંલગ્ન ક્વાટર્સ અને અન્ય મિલકતોને હિટાચી મશીન દ્વારા તોડવાનો પ્રારંભ કરાયો છે. જે તુટતાં એક મહિના જેટલો સમય લાગી શકે છે. એ પછી અહીં ચેસ્ટી કમિશ્નરની કચેરીની બિલ્ડીંગનું નિર્માણ કરાશે.