પાટણમાં ૨૪ કલાકમાં ૩ કોરોનાગ્રસ્ત દર્દીઓના સારવાર દરમ્યાન મોત
રખેવાળ ન્યુઝ પાટણ : કોરોના મહામારી વચ્ચે પાટણમાં ગત ૨૪ કલાકમાં બીજા ૩ કોરોના દર્દીઓના મોત થતાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. પાટણ શહેરના બે દર્દી અને હારીજના એક દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. પાટણ શહેરમાં સ્થાનિક સંક્રમણ વધતાં કોરોના વાયરસનો શિકાર બનેલા ૪૦ વર્ષિય પુરૂષનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ તરફ હારીજમાં પણ ૨૬ વર્ષિય યુવકનું મોત થયુ છે.
પાટણ જીલ્લામાં કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લેતો. ગઇકાલે રથયાત્રાના દિવસે કોરોનાનો એકપણ કેસ નહિ નોંધાતા લોકો સહિત આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩ દર્દીઓના મોત થતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. પાટણના બાબુના બંગલા પાસેના વિસ્તારમાં ગત દિવસે ૪૦ વર્ષીય પુરૂષ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાં તેમને સારવાર માટે અમદાવાદ ખસેડાયા બાદ આજે તેમનું મોત થયુ છે. આ તરફ સાલવી વાડાના ૪૮ વર્ષીય પુરૂષનું સારવાર દરમ્યાન મોત થયુ છે.
હારીજમાં ગત દિવસે કોરોના પોઝિટીવ આવેલ યુવકનું પણ સારવાર દરમ્યાન મોત થયુ છે. હારીજમાં કોરોના પોઝિટીવ આવેલા ૨૬ વર્ષિય યુવકને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે છેલ્લા ૩ દિવસથી વેન્ટીલેટર પર રખાયેલા આ દર્દીનું ગઇકાલે રાત્રે ૧૧ વાગે ધારપુર ખાતે સારવાર દરમ્યાન મોત થયુ છે.