
પાટણમાં પાલિકાએ પકડેલી ગાયોને પુરાવા આપી ડબ્બેથી છોડાવી જનારા 6 માલિકો સામે ગુના નોંધાયા
પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા ઢોર પાર્ટી મારફતે રખડતાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પકડેલાં ઢોરને ડબ્બે પૂર્યા બાદ તેઓના પુરાવા આપીને ઢોર છોડાવી જનારા ઢોર માલિકો સામે પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસરે પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે ઢોર અધિનિયમ અંતર્ગત અલગ અલગ 6 ફરિયાદો નોંધાવી હતી.
જેમાં આક્ષેપ કરાયો હતો કે, ઢોર માલિકોએ તેમનાં ઢોર રસ્તા વચ્ચે લોકો રાહદારીઓને અડચણરુપ બનતાં હોઇ પાટણ નગરપાલિકાની ઢોર પાર્ટીએ તા. 1 અને 2 નવેમ્બરે પાટણનાં લીલીવાડી વિસ્તારની અંદરની સોસાયટીઓ, અંબાજી નેળીયું, રેલ્વે સ્ટેશન વિસ્તારોમાંથી સંખ્યાબંધ ગાયોને પકડી હતી. તેઓને ડબ્બે પુરી હતી, ત્યારે તેમનાં ગાયોનાં જુદા જુદા માલિકો તેમની 16 જેટલી ગાયો ડબ્બામાંથી છોડાવવા માટે આ ગાયો પોતાની હોવાનાં પુરાવા આપીને તેઓ ગાયો છોડાવી ગયા હતા. આથી તેઓ ગાયો છુટી મુકતાં હોવાનું પૂરવાર થાય છે. જેથી ફરિયાદ નોંધાઈ છે.