
ચાણસ્માના ધિણોજના યુવકને ઈડર બોલાવી 3.50 લાખ લઈ સાબરકાંઠાની લૂંટેરી દુલ્હન ગેંગ છૂ
પાટણના ચાણસ્માના ધિણોજના 31 વર્ષીય લગ્નવાંચ્છુક યુવકને સાબરકાંઠાની દુલ્હન ગેંગ ભટકાતાં એક માસ અગાઉ મેરેજ રજિસ્ટર કરાવ્યા પછી ₹ 3.50 લાખ ખંખેરી લઈ માત્ર છ દિવસમાં લૂંટેરી દુલ્હને યેનકેન પ્રકારે પરિવારને ઈડર લઈ જઇ સાગરીતો આવી જતા લગ્ન બાદ પહેલીવાર મળ્યા છીએ સોનાનો દાગીનો અમારે લઈ આપવો પડે કહી જ્વેલર્સની દુકાનમાં પરિવારને બેસાડી નજર ચૂકવી લૂંટેરી દુલ્હનને બાઈક પર બેસાડી ફરાર થતાં ઈડર પોલીસે લૂંટેરી દુલ્હન સહિત 6 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ધિણોજના મહેન્દ્રકુમાર ચીમનભાઈ બારોટ (31) મહેસાણામાં નોકરી કરે છે અને તેમની બહેન રીપલબેન પણ અન્ય કંપનીમાં નોકરી કરે છે. જેની સાથે ઉર્વીશ અશોકભાઈ સેનમા તેમજ જયેશ પસાભાઈ સેનમા નોકરી કરતા હોઇ અને રીપલબેને તેમના ભાઈના લગ્ન માટે વાત કરેલ હોઇ આ બંનેએ કહ્યું કે વિજયનગરના મોધરીના મહેશભાઈ રણછોડભાઈ નિનામા ને વાત કરેલ છે અને છોકરી જોવા જવાનું છે જેથી તા.30-04-23 ના રોજ મહેન્દ્રકુમાર તેમના પિતા બહેન અને બહેનની સાથે નોકરી કરતા ઉર્વીશ અને જયેશને લઈને બપોરે 12:00 વાગ્યાના અરસામાં ઈડરના રાણી તળાવ પાવાપુરી જૈન મંદિરે પહોંચતા મહેશભાઈ નિનામા અને તેની સાથે પિન્ટુબેન રમાભાઇ ઉર્ફે રમેશભાઈ ગમાર (21) અને તેની માતા બદીબેન રામાભાઈ ગમાર (રહે. બોરદિયાલા કુવારસી તા. ખેડબ્રહ્મા) અને અજય ભાઈ નામનો અન્ય એક શખ્સ હાજર હતો. જેને પિન્ટુબેનના માસીના છોકરા તરીકે ઓળખ કરાવાઈ હતી.
લગ્ન સંબંધી વાતચીત કર્યા બાદ મહેશભાઈ નિનામાએ ચાંલ્લા પેટે ₹5,000 ની માગણી કરી હતી અને લગ્ન માટે છોકરીના માતા-પિતાને 3.50 લાખ આપવાનું નક્કી કરાયા બાદ તા. 01-05-23 ના રોજ ઈડર કોર્ટ આગળ વચેટીઓ મહેશભાઈ નિનામા, યુવતી પિન્ટુબેન તેની માતા બદીબેન વગેરે હાજર હતા અને લગ્ન અંગે પરસ્પર બાંહેધરી આપતા રૂ.300 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રૂબરૂ કરાર કરાયો હતો અને 3.50 લાખ મહેશભાઈ નિનામાને આપી પિન્ટુબેનને લઈ બધા ધિણોજ પહોંચ્યા હતા.
ત્યારબાદ બે ત્રણ દિવસમાં જ પિન્ટુબેને માતા અને ભાઈને મળવા જવું છે કહેવાનું શરૂ કરતાં તા.7-5-23 ના રોજ પિન્ટુબેનને લઇ બધા ઇડર આવેલા જ્યાં મહેશભાઈ અને અજયભાઈ હાજર હતા તથા તેમની સાથે અન્ય બે છોકરા પણ હતા.
પિન્ટુબેનની માસીના છોકરા અજયે કહેલ કે લગ્ન પછી પહેલી વખત મારી બહેન મળી છે એટલે અમારે તેને કોઈ દાગીનો લઈ આપવો પડે તેમ કહી તેની સાથેનો અજાણ્યો છોકરો તથા મહેશભાઈ બધાને લઈ રોનક જ્વેલર્સમાં લઈ ગયા હતા અને અજય એટીએમમાંથી પૈસા ઉપાડી આવું છું કહી ગયા દરમિયાન પિન્ટુબેન બાજુની દુકાનમાં ઉભા હતા. બધાની નજર ચૂકવીને અજાણ્યો છોકરો બાઈક લઈને પિન્ટુબેનને લઈને ફરાર થઈ ગયો હતો.
આ ગેંગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ
1.મહેશભાઈ રણછોડભાઈ નિનામા (રહે. મોધરી તા. વિજયનગર)
2.પિન્ટુબેન રમાભાઇ ઉર્ફે રમેશભાઈ ગમાર (21) (લૂંટેરી દુલ્હન)
3.બદીબેન રામાભાઈ ગમાર (રહે. બોરદિયાલા કુવારસી તા. ખેડબ્રહ્મા) (લૂંટેરી દુલ્હનની માતા)
4.અજયભાઇ (પિન્ટુબેનના માસીનો છોકરો) અને અન્ય બે યુવકો સામે ફરિયાદ નોંધાઇ