
કેબિનેટ મંત્રીએ સમી, બોરતવાડા તથા કુરેજા ખાતે પંપીંગ સ્ટેશન તથા હેડ વર્ક્સનું નિરિક્ષણ કર્યું
રખેવાળ ન્યુઝ પાટણ
ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી. સમી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડા તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.
પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ સમી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લઈ પાણીના શુદ્ધિકરણ અને ક્લોરીનેશન સહિતની વિગતો મેળવી હતી. ત્યારબાદ હારીજ તાલુકાના બોરતવાડા ખાતે આવેલા હેડ વર્ક્સ અને કુરેજા ખાતેના પંપીંગ સ્ટેશનનું જાત નિરીક્ષણ કરી આગેવાનો અને સંલગ્ન વિભાગના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી હતી.આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પીવાના પાણીને અગ્રતા આપીને કોરોના મહામારી અને લોકડાઉનમાં પણ જિલ્લાના છેવાડાના ગામોમાં વસતા લોકોને પણ સમયસર અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની મુલાકાત લઈ મેં રૂબરૂ આ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.રણકાંઠે વસેલા અને મોટાભાગે ઓછો વરસાદ ધરાવતા પાટણ જિલ્લાની મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે પીવાના પાણીની પરિસ્થિતીનો તાગ મેળવવા કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર, સંસદ સભ્ય ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર તથા જિલ્લા સંગઠન પ્રમુખ મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સર્વ વી.ડી.મેવાડા, આનંદભાઈ પરમાર તથા જીગરભાઈ પટેલ દ્વારા પાણી પુરવઠા મંત્રીને જિલ્લાની જળ વિતરણ વ્યવસ્થાથી અવગત કરાવી જરૂરી માહિતી પૂરી પાડી હતી. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અધિક્ષક ઈજનેર આર.એમ.મહેરીયા તથા કાર્યપાલક ઈજનેર ડી. એમ. બુંબડીયા ઉપસ્થિત રહ્યા હતા.